શનિવાર, 10 ઓક્ટોબરના રોજ દેશની રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે CJPના વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ પ્રદર્શનો અને સરકારની કાર્યવાહીએ દેશભરમાં ચર્ચા જગાવી છે. આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે નિવેદન બહાર પાડીને સરકારની ટીકા કરી છે.
શશિ થરૂરે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે દિલ્હીમાં જે ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે, તે યુદ્ધની સ્થિતિથી જરા પણ ઓછો નથી. તેમણે દિલ્હીની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે ગઈ રાતનો અનુભવ શેર કરતા કહ્યું, "હું રાત્રે 2 વાગ્યા પછી જ્યારે રાજધાનીમાં પાછો ફર્યો, ત્યારે મેં જે દૃશ્યો જોયા તે ચોંકાવનારા હતા. મેં મારા જીવનમાં દિલ્હીમાં આવી અસામાન્ય અને ગભરામણ ફેલાવે તેવી સ્થિતિ પહેલાં ક્યારેય જોઈ નથી."
દિલ્હી પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે રસ્તાઓ પર દર થોડાક સો મીટરના અંતરે ચેકપોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. લોકોની અવરજવર રોકવા માટે કોંક્રિટના બેરિકેડ અને ટાયર પંચર કરતી સ્પાઇક સ્ટ્રીપ્સ (લોખંડના ખીલા) નાખવામાં આવી છે.
આંકડા ટાંકીને થરૂરે જણાવ્યું કે શહેરમાં 22,000થી વધુ પોલીસકર્મીઓ અને અર્ધલશ્કરી દળોના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સામાન્ય નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે, કારણ કે સુરક્ષાના બહાને 250 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે અને 45 મેટ્રો સ્ટેશનો બંધ કરવામાં આવ્યા છે.
સરકારના આ પગલાંને લોકશાહી માટે દમનકારી ગણાવતા થરૂરે કહ્યું કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાંથી નિર્દોષ યુવાનોને તેમના ઘરમાંથી અને શેરીઓમાંથી અટકાયતમાં લેવામાં આવી રહ્યા હોવાના અહેવાલો સતત મળી રહ્યા છે.
તેમણે આક્ષેપ કર્યો કે જે નાગરિકો શાંતિપૂર્ણ રીતે ચૂંટણીની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, તેમનો અવાજ દબાવવા માટે આ બધું થઈ રહ્યું છે. શરમજનક બાબત એ છે કે રાજધાનીના હૃદય સમાન વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.
કોંગ્રેસ નેતાએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે નાગરિકોની મુક્તપણે હરવાફરવાની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે. લોકશાહીમાં અસંમતિ વ્યક્ત કરવા માટે જંતર-મંતરને ખાસ સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું, પરંતુ આજે ત્યાં જવાના તમામ રસ્તાઓ પણ બ્લોક કરી દેવાયા છે.
સરકારની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું, "જ્યારે આપણી રાજધાની દિલ્હીમાં મહિલાઓને ખરેખર સુરક્ષાની જરૂર હોય છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં પોલીસ માનવશક્તિ અને આવી જડબેસલાક તૈયારીઓ અચાનક ક્યાં ગાયબ થઈ જાય છે?"
અટકાયત કરાયેલા લોકોને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરતા થરૂરે ચેતવણી આપી કે જો વિરોધ કરી રહેલા લોકો સોમવારે ફરીથી રસ્તા પર ઉતરશે, તો શું સત્તાધિશો રાજધાનીને ફરીથી તાળાબંધી જેવી સ્થિતિમાં ધકેલી દેશે? આપણી યુવા પેઢી આવી અઘોષિત કટોકટી કરતા સારા વર્તનની હકદાર છે.
તેમણે ઉમેર્યું કે જે સરકારને ચૂંટણીની નિષ્પક્ષતામાં ખરેખર આત્મવિશ્વાસ હોય, તે લોકોના પ્રશ્નોનું સ્વાગત કરશે. પરંતુ રાજધાનીને કિલ્લામાં ફેરવી દેતી સરકાર માત્ર એ શંકાઓને વધુ ઘેરી બનાવે છે, જેને તે દબાવવા માંગે છે.
અંતમાં થરૂરે કહ્યું કે રસ્તા પર માત્ર બેરિકેડ ઊભા કરવાથી ચૂંટણી પંચ પ્રત્યેનો લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત નહીં થાય. ચૂંટણી પંચ જેટલી વહેલી તકે જનતાના સાચા પ્રશ્નોના જવાબ આપશે, તેટલી વહેલી તકે શહેરમાં શાંતિ સ્થપાશે. લોકશાહીની મજબૂતાઈ એ બાબત પરથી મપાય છે કે સરકાર પોતાની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવનારા નાગરિકો સાથે કેવો વ્યવહાર કરે છે. આ સ્તરે જોતા, આજે જે જોયું તે શરમજનક છે.