સત્ય. સાહસ. સંકલ્પ.

શારજાહમાં કર્ણાટકના ભારતીયની હત્યા: કારમાંથી મળ્યા મૃતદેહના 9 ટુકડા, 2 મહિના પછી ખુલાસો

શારજાહમાં કર્ણાટકના ભારતીયની હત્યા: કારમાંથી મળ્યા મૃતદેહના 9 ટુકડા, 2 મહિના પછી ખુલાસો

સંયુક્ત અરબ અમીરાત (UAE)ના શારજાહમાં કર્ણાટકના એક ભારતીય વ્યક્તિની જુલાઈ મહિનામાં હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ અલ્વિન પ્રકાશ કુંદર તરીકે થઈ છે, જે ઉડ્ડપીના કુંડાપુરનો રહેવાસી હતો. તે છેલ્લા 14 વર્ષથી શારજાહ એરપોર્ટ પર કામ કરતો હતો.

અલ્વિનના ભાઈ અનિલ પ્રશાંત કુંદરે આ ઘટનાની જાણકારી આપી છે. તેમણે ઉડુપી પોલીસને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે અને શારજાહ પોલીસ પાસેથી સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

મળતી જાણકારી અનુસાર, 20 જુલાઈના રોજ અનિલે અલ્વિનને ફોન કર્યો હતો, પરંતુ જવાબ મળ્યો ન હતો. તેના બદલે એક સંદેશ આવ્યો કે 'હું ઠીક છું'. અનિલને આ અજીબ લાગ્યું, કારણ કે તેનો ભાઈ સામાન્ય રીતે આવી રીતે વાત કરતો ન હતો. એક અઠવાડિયા પછી ફરી ફોન કરવા છતાં કોઈ જવાબ મળ્યો ન હતો.

ચિંતા થતાં અનિલે શારજાહમાં રહેતા અલ્વિનના મિત્ર મનોહરનો સંપર્ક કર્યો. મનોહર અલ્વિનની કંપનીના ફ્લેટ પર ગયો, ત્યાં ચોકીદારે કહ્યું કે અલ્વિન ભારત ગયો છે. કંપનીના HRએ પણ આ જ વાત કહી. પરંતુ જ્યારે અનિલે કંપનીને કહ્યું કે અલ્વિન ભારત આવ્યો નથી, ત્યારે પાસપોર્ટ ચેક કરવામાં આવ્યો અને ખબર પડી કે તે હજુ શારજાહમાં જ છે.

ત્યારબાદ ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી. તપાસમાં અલ્વિનનો મૃતદેહ ઓમાન જવાના રસ્તા પર ઊભેલી એક કારમાંથી મળ્યો હતો. મૃતદેહના 9 ટુકડા કરીને બે થેલામાં ભરવામાં આવ્યા હતા.

સોમવારે પરિવારને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ તેઓએ ઉડુપી પોલીસનો સંપર્ક કર્યો. હત્યાના ચોક્કસ સંજોગો અને કારણો હજુ સ્પષ્ટ થયા નથી. શારજાહ પોલીસ દ્વારા વધુ તપાસમાં સત્ય બહાર આવવાની આશા છે.

અલ્વિનની પત્ની ટીના, જે શાળામાં શિક્ષિકા છે, અને તેનો 10મા ધોરણમાં ભણતો પુત્ર હજુ ગુમ છે. કેટલાક અહેવાલોમાં આ વાત સામે આવી છે, પરંતુ અધિકૃત પુષ્ટિ થઈ નથી. પોલીસ આ સમગ્ર મામલે તપાસ ચાલુ રાખી છે.