સત્ય. સાહસ. સંકલ્પ.

શારદીય નવરાત્રિ શરૂ: અંબાજીથી બહુચરાજી સુધી મંદિરોમાં ભક્તોની ભીડ, જાણો દર્શનનો સમય

શારદીય નવરાત્રિ શરૂ: અંબાજીથી બહુચરાજી સુધી મંદિરોમાં ભક્તોની ભીડ, જાણો દર્શનનો સમય

આસો માસની શારદીય નવરાત્રિ આજથી શરૂ થઈ છે. ગુજરાતના પ્રમુખ શક્તિપીઠો - અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી, ઊંઝા, માતાના મઢ, ખોડલધામ, હરસિદ્ધિ અને ભદ્રકાળી મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. અનેક મંદિરોમાં ઘટસ્થાપન, વિશેષ આરતી, હવન અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. બહુચરાજીમાં 300 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો ‘નવલખો હાર’ માતાજીને પહેરાવવામાં આવશે, જ્યારે પાવાગઢમાં અખંડ જ્યોત ઘરે લઈ જવાની પરંપરા છે.

અંબાજી: 51 શક્તિપીઠોમાં અંબાજી માતા મંદિર ભારતનું મુખ્ય પીઠ છે. અરાસુરી અંબાજીના પવિત્ર મંદિરમાં દેવીની કોઈ મૂર્તિ નથી. પવિત્ર શ્રી વિસા યંત્ર મુખ્ય દેવતા તરીકે પૂજાય છે. ખુલ્લી આંખે યંત્રને કોઈ જોઈ શકતું નથી અને યંત્રની ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે. ગબ્બર પર્વત પર મા અંબાના ચરણચિહ્નો બિરાજમાન છે. નવરાત્રિના પ્રથમ દિવસે સવારે 9:30 વાગ્યે ઘટસ્થાપન થશે. એકમ, ચોથ સહિતની મહત્વની તિથિઓએ માતાજીને 3 થી 4 વખત વિશેષ ફૂલોથી શણગારવામાં આવશે. આઠમના દિવસે સવારે 6 વાગ્યે વિશેષ આરતી યોજાશે. માઇભક્તો માટે ચાચર ચોકમાં રાત્રે 9 થી 12 દરમિયાન પારંપરિક ગરબાનું આયોજન છે. દર્શનનો સમય: સવારે 6:30 થી 11:30, બપોરે 12:30 થી 4:15 અને સાંજે 6:30 થી રાત્રે 9 વાગ્યા સુધી.

ચોટીલા: ચોટીલાના ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના દર્શન માટે નવરાત્રિ દરમિયાન ડુંગર, તળેટી અને હાઇવે પર મિની કુંભ મેળા જેવા દ્રશ્યો જોવા મળે છે. અનેક ભક્તો આળોટતાં-આળોટતાં કે દંડવત પ્રણામ કરતાં 162 પગથિયાં ચડે છે. સાંજની આરતી બાદ ડુંગર પરથી ભાવિકો-પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે અને રાત્રિના કોઈ રોકાઈ શકતું નથી. નવરાત્રિના પ્રથમ અને આઠમા નોરતાંમાં સવારે 4 વાગ્યે અને બાકીના 7 દિવસોમાં સવારે 5 વાગ્યે આરતી થશે. ભક્તો માટે પગથિયાનું દ્વાર આરતીના સમયથી 30 મિનિટ પહેલાં ખોલવામાં આવશે. દરરોજ સાંજની આરતી સૂર્યાસ્તના સમય મુજબ યોજાશે. નવરાત્રિના અંતિમ દિવસે ડુંગર પર હવનનું આયોજન છે. બપોરે 12:30 વાગ્યે બીડું હોમાયા બાદ યજ્ઞ પૂર્ણ થશે.

બહુચરાજી: મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી માતાજીના મંદિરનું સૌથી મોટું આકર્ષણ વડોદરા રાજ્યના કડી પ્રાંતના સુબા માનાજીરાવ ગાયકવાડે 1839માં ભેટ આપેલો ઐતિહાસિક ‘નવલખો હાર’ છે. 150થી વધુ કિંમતી હીરા અને 9 નીલમથી જડેલા આ હારની તત્કાલીન કિંમત 9 લાખ રૂપિયા હતી, જે આજે 300 કરોડ રૂપિયાથી પણ વધુ આંકવામાં આવે છે. સુરક્ષાના કારણોસર આ હાર સરકારી ટ્રેઝરીમાં રાખવામાં આવે છે અને વર્ષમાં માત્ર એક જ વાર આસો સુદ આઠમની પાલખી યાત્રા ટાણે માતાજીને પહેરાવવામાં આવે છે. દર્શનનો સમય: સવારે 5 થી રાત્રે 9:30 સુધી.

હરસિદ્ધિ (હર્ષદ): દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) ગામે અરબી સમુદ્રના કિનારે કોયલા ડુંગર પર હરસિદ્ધિ માતાજીનું પૌરાણિક મંદિર છે. ડુંગરની તળેટીમાં પણ માતાજીનું મંદિર છે. હરસિદ્ધિ માતાજી ભગવાન શ્રીકૃષ્ણ અને રાજા વિક્રમાદિત્યના કુળદેવી તરીકે પૂજાય છે. માન્યતા મુજબ, આરતી દરમિયાન માતાજી હાજર રહે છે અને તેમની પધરામણી થતાં ઝૂલો આપોઆપ ઝૂલવા લાગે છે. લોકવાયકા છે કે મહારાજા વિક્રમાદિત્યે તપશ્ચર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને ઉજ્જૈન લઈ ગયા. આમ, માતાજીનો વાસ રાત્રિ દરમિયાન ઉજ્જૈનના અને દિવસ દરમિયાન ગાંધવીના હરસિદ્ધિ મંદિરમાં હોય છે. નવરાત્રિમાં સવારે 6 અને સાંજે 7 વાગ્યે આરતી યોજાશે, જ્યારે 18મીએ હવનનું આયોજન છે.

માતાના મઠ: કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ‘માતાના મઠ’ દેશદેવી આશાપુરા માતાજીનું પ્રાકટ્ય સ્થાન છે. 14મી સદીમાં સિંધના રાજપૂત કુળના વંશજોનું પશ્ચિમ કચ્છમાં આગમન થયું ત્યારે આશાપુરા દેવી વિદ્યમાન હતા.