સત્ય. સાહસ. સંકલ્પ.

શારદીય નવરાત્રી 2026: 9 નહીં, 10 દિવસ ચાલશે, 11 ઓક્ટોબરે ઘટસ્થાપન

શારદીય નવરાત્રી 2026: 9 નહીં, 10 દિવસ ચાલશે, 11 ઓક્ટોબરે ઘટસ્થાપન

મા દુર્ગાના ભક્તો જે પવિત્ર પર્વની આતુરતાથી રાહ જુએ છે, તે શારદીય નવરાત્રી હવે નજીક આવી રહી છે. વર્ષ 2026ની નવરાત્રી ખાસ છે, કારણ કે આ વખતે તે 9 નહીં, પણ 10 દિવસ ચાલશે. હિન્દુ પંચાંગ મુજબ, આ વર્ષે એક તિથિ વધતાં નવરાત્રી એક દિવસ લંબાઈ છે. આથી 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી માતાજીની ઉપાસના થશે.

સામાન્ય રીતે નવરાત્રી પ્રતિપદાથી નવમી સુધી 9 દિવસ ચાલે છે. પરંતુ 2026માં સપ્તમી તિથિ બે દિવસ – 17 અને 18 ઓક્ટોબર – આવે છે. જ્યોતિષમાં આને 'તિથિ વૃદ્ધિ' કહેવાય છે. આથી નવરાત્રી 10 દિવસની થાય છે.

ઘટસ્થાપનનું મુહૂર્ત: આસો સુદ એકમ તિથિ 10 ઓક્ટોબરે રાત્રે 9:18 વાગ્યે શરૂ થઈને 11 ઓક્ટોબરે રાત્રે 9:30 સુધી રહેશે. હિન્દુ પરંપરામાં ઉદયા તિથિ માન્ય ગણાય છે, તેથી પ્રથમ દિવસ 11 ઓક્ટોબર (રવિવાર) ગણાશે. દિલ્હી સમય મુજબ, ઘટસ્થાપન માટે સવારે 6:19થી 10:12 સુધીનું શુભ મુહૂર્ત છે. જો સવારે ન થઈ શકે, તો અભિજિત મુહૂર્તમાં બપોરે 11:44થી 12:31 વચ્ચે કળશ સ્થાપના કરી શકાય.

અષ્ટમી: દુર્ગા અષ્ટમી 18 ઓક્ટોબર, રવિવારે ઉજવાશે. આ દિવસે મા મહાગૌરીની પૂજા થાય છે. અષ્ટમી તિથિ 18 ઓક્ટોબરે સવારે 8:27થી 19 ઓક્ટોબરે સવારે 10:51 સુધી રહેશે.

મહાનવમી અને દશેરા: મહાનવમી 19 ઓક્ટોબરે છે. આ દિવસે નવમીનો હવન, આયુધ પૂજા અને પારણાં થાય છે. નવમી તિથિ 20 ઓક્ટોબરે બપોરે 12:50 સુધી ચાલશે. ત્યારબાદ દશમી શરૂ થતાં, 20 ઓક્ટોબરે વિજયાદશમી (દશેરા) અને દુર્ગા વિસર્જન થશે.

જ્યોતિષી અનિશ વ્યાસના જણાવ્યા અનુસાર, તિથિ વૃદ્ધિથી નવરાત્રી 10 દિવસ થાય ત્યારે તે શુભ અને સમૃદ્ધિનું પ્રતીક મનાય છે. આ વધારાનો દિવસ ભક્તોને પૂજા, જાપ અને ધ્યાન માટે વધુ તક આપે છે.

(નોંધ: આ માહિતી પંચાંગ અને સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ધાર્મિક વિધિઓ પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.)