સત્ય. સાહસ. સંકલ્પ.

શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂ, જાણો કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂ, જાણો કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

સનાતન ધર્મમાં શક્તિની ઉપાસનાનો સૌથી મોટો પર્વ એટલે શારદીય નવરાત્રી. આ વર્ષે 2026માં આ મહાપર્વ આસો (અશ્વિન) મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા (એકમ) તિથિથી શરૂ થઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલતા આ ઉત્સવમાં દેવી ભગવતીના નવ અલગ-અલગ સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, નવરાત્રીમાં મા દુર્ગાની આરાધના કરવાથી જીવનમાં સકારાત્મક ઊર્જા આવે છે, ઘર શુદ્ધ થાય છે અને નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.

ચાલો જાણીએ કે 2026માં શારદીય નવરાત્રી ક્યારે શરૂ થશે, કળશ સ્થાપનાનું સચોટ મુહૂર્ત કયું છે અને માતાજી આ વર્ષે કયા વાહન પર બિરાજમાન થઈને પધારશે.

શારદીય નવરાત્રી 2026: શરૂઆત અને પૂર્ણાહુતિની તારીખ

માતાજીની આરાધનાનો આ નવ દિવસનો ઉત્સવ 11 ઓક્ટોબર, 2026 (રવિવાર)ના રોજ શરૂ થશે અને 19 ઓક્ટોબર, 2026 (સોમવાર)ના રોજ પૂર્ણ થશે.

ઘટસ્થાપન (કળશ સ્થાપના) માટેનું સૌથી શુભ મુહૂર્ત

નવરાત્રીના પ્રથમ દિવસે કળશ સ્થાપનાનું ખાસ મહત્વ છે. પંચાંગ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તિથિ અને નક્ષત્રનો સમય નીચે મુજબ રહેશે:

પ્રતિપદા તિથિનો પ્રારંભ: 10 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે 8:32 વાગ્યે.
પ્રતિપદા તિથિની સમાપ્તિ: 11 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે 8:37 વાગ્યે.
ચિત્રા નક્ષત્રનો પ્રારંભ: 10 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે 10:32 વાગ્યે.
ચિત્રા નક્ષત્રની સમાપ્તિ: 11 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે 10:49 વાગ્યે.

શાસ્ત્રોના નિયમ મુજબ, નવરાત્રીના પહેલા દિવસે ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગ હોય ત્યારે ઘટસ્થાપન કરવાની મનાઈ છે. આથી, 11 ઓક્ટોબરના રોજ બપોરે આવતું 'અભિજીત મુહૂર્ત' કળશ સ્થાપના માટે સૌથી શ્રેષ્ઠ અને ફળદાયી માનવામાં આવે છે. આ મુહૂર્ત સવારે 11:36 થી બપોરે 12:24 વાગ્યા સુધી રહેશે. એટલે કે ભક્તોને ઘટસ્થાપન માટે કુલ 48 મિનિટનો શુભ સમયગાળો મળશે.

મા દુર્ગાનું વાહન: આ વર્ષે દેવી ઘોડા પર સવાર થઈને આવશે

નવરાત્રીમાં મા ભગવતીનું પૃથ્વી પર આગમન કયા વાહન પર થશે, તે નવરાત્રી કયા દિવસે શરૂ થાય છે તેના પર આધાર રાખે છે. દેવી ભાગવત પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, "જો નવરાત્રીની શરૂઆત રવિવાર અથવા સોમવારથી થતી હોય, તો માતાજીનું વાહન હાથી નથી હોતું, પરંતુ તે દિવસે દેવીનું વાહન 'તુરંગ' એટલે કે ઘોડો માનવામાં આવે છે." વર્ષ 2026માં નવરાત્રી 11 ઓક્ટોબર, રવિવારના રોજ શરૂ થઈ રહી હોવાથી મા દુર્ગા ઘોડા પર સવાર થઈને પૃથ્વી પર પધારશે.

દેશ અને દુનિયા પર તેની શું અસર પડશે?

જ્યોતિષ શાસ્ત્રના મતે, માતાજીનું ઘોડા પર આગમન થવું તે સામાજિક અને રાજકીય દૃષ્ટિએ બહુ શુભ સંકેત માનવામાં આવતો નથી. તેના પરિણામે નીચે મુજબની અસરો જોવા મળી શકે છે:

રાજકીય અને વૈશ્વિક તણાવ: વિવિધ દેશો વચ્ચેના આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ખટાશ આવી શકે છે. રાજદ્વારી વિવાદો ઊભા થઈ શકે છે અને સરહદી વિસ્તારોમાં તણાવ વધવાની શક્યતાઓ રહેલી છે.

કુદરતી આફતો અને હવામાન: ઋતુઓમાં અચાનક અને મોટા ફેરફારો, કમોસમી કે અનિશ્ચિત વરસાદની સંભાવના છે. જેની સીધી અસર ખેતી અને પાક ઉત્પાદન પર પડી શકે છે.

સામાજિક અસરો: જનતાની લાગણીઓ ઉગ્ર બની શકે છે, અસંતોષ જોવા મળી શકે છે અને સમાજને અમુક અણધારી કટોકટીઓનો સામનો કરવો પડી શકે છે.

(ડિસ્ક્લેમર: અહીં આપેલી તમામ માહિતી સામાન્ય ધાર્મિક માન્યતાઓ અને જ્યોતિષીય ગણતરીઓ પર આધારિત છે. અમે આ માન્યતાઓ કે માહિતીની કોઈ સત્તાવાર પુષ્ટિ કરતા નથી. કોઈપણ ધાર્મિક કાર્ય કે માહિતી પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાત અથવા વિદ્વાનની સલાહ લેવી હિતાવહ છે.)