સત્ય. સાહસ. સંકલ્પ.

શરદ પૂર્ણિમા 2026: ખીર ક્યારે મૂકવી, કયો સમય શુભ? જાણો પૂરી વિગત

શરદ પૂર્ણિમા 2026: ખીર ક્યારે મૂકવી, કયો સમય શુભ? જાણો પૂરી વિગત

હિન્દુ પંચાંગ પ્રમાણે આસો મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. દેશના કેટલાક ભાગોમાં આ તહેવારને કોજાગરી પૂર્ણિમા કે અશ્વિન પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમા 25 ઓક્ટોબર, 2026ના રોજ ઉજવાશે.

આ દિવસે ધન, વૈભવ અને ઐશ્વર્યનાં દેવી માતા લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે. પાલ બાલાજી જ્યોતિષ સંસ્થાના જ્યોતિષ ડૉ. અનિશ વ્યાસના જણાવ્યા અનુસાર, આ વખતે પૂર્ણિમાના દિવસે રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ એકસાથે બની રહ્યા છે.

તિથિ અને શુભ મુહૂર્ત

પૂર્ણિમા તિથિ 25 ઓક્ટોબરે સવારે 11:55 વાગ્યે શરૂ થશે અને 26 ઓક્ટોબરે સવારે 9:41 વાગ્યા સુધી રહેશે. જોકે પૂજા અને ઉપવાસ માટે 25 ઓક્ટોબરનો દિવસ મુખ્ય રહેશે.

જ્યોતિષ ગણતરી પ્રમાણે 25 ઓક્ટોબરની મધ્યરાત્રિએ પૂર્ણિમા નિશીથ અને પ્રદોષ કાળમાં પૂરી રીતે હાજર રહેશે. એટલે ઉપવાસ, ચંદ્ર પૂજા અને અગાસીમાં ખીર મૂકવાની વિધિ 25 ઓક્ટોબરે જ કરવાની રહેશે. સ્નાન અને દાન 26 ઓક્ટોબરે સવારે ઉદય તિથિ પ્રમાણે થશે.

રવિ યોગ સવારે 6:28થી સાંજે 7:22 સુધી અને સર્વાર્થ સિદ્ધિ યોગ સાંજે 7:22થી બીજા દિવસે સવારે 6:29 સુધી રહેશે.

ખીરનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પોતાની પૂરી 16 કળાઓથી ખીલે છે અને આકાશમાંથી અમૃતની વર્ષા થાય છે. આ અમૃત મેળવવા માટે જ રાત્રે ખુલ્લા આકાશ નીચે ખીર રાખવાની પ્રથા સદીઓ જૂની છે.

આયુર્વેદની દૃષ્ટિએ જોઈએ તો આ દિવસે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે. દૂધમાં રહેલું લેક્ટિક એસિડ અને ચોખાનો સ્ટાર્ચ ચંદ્રનાં કિરણોને ઝડપથી શોષી લે છે એવું મનાય છે.

ચાંદનીમાં મૂકેલી આ ખીર ખાવાથી શરીરની ગરમી અને પિત્ત શાંત થાય છે એવું પણ કહેવાય છે. શ્વાસ અને અસ્થમાના દર્દીઓ માટે તે ફાયદાકારક મનાય છે. શક્ય હોય તો ખીર ચાંદીના વાસણમાં બનાવવી, કારણ કે ચાંદીમાં કુદરતી રીતે જીવાણુનાશક ગુણો છે.

લક્ષ્મી પૂજા અને રાત્રિ જાગરણ

શરદ પૂર્ણિમાને કોજાગરા કે કોજાગરી પણ કહે છે, જેનો અર્થ થાય છે ‘કોણ જાગે છે?’. પૌરાણિક માન્યતા પ્રમાણે સમુદ્ર મંથન વખતે આ જ રાત્રે માતા લક્ષ્મી પ્રગટ થયા હતા, એટલે આ દિવસને તેમનો પ્રાગટ્ય દિવસ પણ કહેવાય છે.

મનાય છે કે આ રાત્રે માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે. જે ભક્તો આખી રાત જાગીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનાં આઠ સ્વરૂપોનું ધ્યાન કરે છે, તેમના પર ધનની વર્ષા થાય છે એવી માન્યતા છે. રાત્રે 10થી 12 વાગ્યા વચ્ચે ઓછામાં ઓછી 30 મિનિટ ચંદ્રના અજવાળામાં બેસવાથી કે ચાલવાથી આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદો થાય છે એમ પણ કહેવાય છે.

ધન અને સ્વાસ્થ્ય માટેના ઉપાયો

આર્થિક તકલીફ હોય તો પૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મીને પાંચ કોડીઓ અર્પણ કરવાની અને બીજા દિવસે તેને લાલ કે પીળા કાપડમાં બાંધીને તિજોરીમાં મૂકવાની પ્રથા છે. પૂજામાં વપરાયેલી સોપારી પર લાલ દોરો બાંધી, ચોખા અને કંકુ લગાવીને પૈસા રાખવાની જગ્યાએ મૂકવાનું પણ કહેવાય છે.

નોકરી કે વેપારમાં પ્રગતિ માટે સાંજે હનુમાનજી સામે સરસવના તેલ કે ઘીનો ચારમુખી દીવો પ્રગટાવવાનું કહેવાય છે. ઘરમાં સુખ-શાંતિ માટે તુલસી ક્યારા પાસે ઘીનો દીવો કરીને વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીની આરતી કરવાની પ્રથા છે. બીમાર વ્યક્તિને રાતભર ચાંદનીમાં રાખેલી ખીર ખવડાવવાથી રાહત મળે છે એવું પણ મનાય છે.

(નોંધ: આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જ્યોતિષીય ગણતરી પર આધારિત છે. આયુર્વેદિક સલાહ અંગે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય રહેશે.)