25 ઓક્ટોબર 2026, રવિવારના રોજ શરદ પૂર્ણિમા ઉજવાશે. જ્યોતિષીય દૃષ્ટિએ આ દિવસે બુધ અને શુક્ર ગ્રહો વક્રી (ઊંધી) ચાલમાં રહેશે. આ ઉપરાંત શનિ અને ચંદ્રમાના વિષયોગની પણ ચર્ચા છે. જ્યોતિષ માન્યતા અનુસાર આ ગ્રહ સ્થિતિ સામાન્ય જનજીવન, માનસિક સ્થિતિ, પારિવારિક સંબંધો અને નાણાકીય નિર્ણયો પર અસર કરી શકે છે. જોકે ગુરુની મજબૂત સ્થિતિ રાહત આપનારી માનવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્રમાં બુધને બુદ્ધિ, વાણી, વેપાર અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતાનો કારક ગણવામાં આવે છે. શુક્ર પ્રેમ, દાંપત્ય જીવન, સુખ-સગવડ અને આર્થિક સમૃદ્ધિ સાથે જોડાયેલો છે. બંને ગ્રહો વક્રી હોવાથી વાતચીતમાં ગેરસમજ, ખોટા આર્થિક નિર્ણયો અને બિનજરૂરી ખર્ચ વધી શકે છે. તેથી મોટું રોકાણ કરતાં પહેલાં ઊંડાણપૂર્વક વિચારવું અને અંગત સંબંધોમાં ઉતાવળે પ્રતિક્રિયા ન આપતાં શાંતિથી વાતચીત કરવી હિતાવહ છે.
શનિ અને ચંદ્રમા વચ્ચેના સંબંધને વિષયોગ કહેવામાં આવે છે. ચંદ્ર મન અને લાગણીઓનું તો શનિ શિસ્ત, કર્મ અને વાસ્તવિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સ્થિતિથી માનસિક દબાણ, ચિંતા અથવા કામમાં અવરોધ થઈ શકે છે. જોકે શનિ વક્રી હોવાથી આ વખતે પૂર્ણ વિષયોગ બનતો નથી, પણ તેની પરોક્ષ અસર વ્યક્તિની કુંડળી અનુસાર જુદી-જુદી હોઈ શકે છે.
આ સમયગાળામાં ગુરુની સ્થિતિ બળવાન અને શુભ માનવામાં આવે છે. ગુરુ જ્ઞાન, વિવેક અને યોગ્ય માર્ગદર્શનનો કારક છે. તેનો સકારાત્મક પ્રભાવ કઠિન પરિસ્થિતિમાં પણ ધીરજ રાખવાની અને સમજદારીથી સાચા નિર્ણય લેવાની શક્તિ આપે છે.
શરદ પૂર્ણિમાના દિવસે સાંજે માતા લક્ષ્મીની વિધિવત્ પૂજા કરવી અને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. ભગવાન શિવની આરાધના કરવી અને શ્રદ્ધાપૂર્વક મંત્રોનો જાપ કરવો. રાત્રે ચંદ્રમાના દર્શન કરી પરંપરા મુજબ અર્ઘ્ય અર્પણ કરવું. જરૂરિયાતમંદ લોકોને અન્ન, વસ્ત્ર કે યથાશક્તિ દાન આપવું. આર્થિક અને પારિવારિક નિર્ણયો લેતી વખતે ધૈર્ય જાળવવું અને ઉતાવળ ટાળવી.