મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના બે જૂથો વચ્ચે સમાધાનની અટકળો ફરી તેજ બની છે. તેનું કારણ શરદ પવાર અને અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલ વચ્ચે થયેલી મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં શરદ પવાર 10 નવેમ્બર પછી બેસીને વાત કરવાની વાત કરતા સંભળાય છે.
હાલમાં શરદ પવાર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રફુલ્લ પટેલ તેમની ખબરઅંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત થઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં શરદ પવાર કહેતા સંભળાય છે કે, 'ત્યાં રહેવું પડે છે, એ મને ખબર છે. પરંતુ કેટલા સમય સુધી રહેવાનું છે તે જણાવો. ત્યારબાદ આપણે નક્કી કરીશું.' જવાબમાં પ્રફુલ્લ પટેલ કહે છે, 'હું 10 તારીખ પછી મુંબઈમાં રહીશ. તમે જણાવો કે ક્યારે બેસીને ચર્ચા કરવી છે. હું તૈયાર છું.'
આ વાતચીતને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે, 10 નવેમ્બર પછીની સંભવિત મુલાકાતનો એજન્ડા હજુ સ્પષ્ટ થયો નથી. તેથી આને રાજકીય નિર્ણય તરીકે જોવી ઉતાવળ ગણાશે. પ્રફુલ્લ પટેલે પણ મુલાકાત બાદ શરદ પવાર સાથે રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થયાનું સ્વીકાર્યું હતું, પરંતુ વિગતો જાહેર કરી નહોતી.
નોંધનીય છે કે, શરદ પવારને 2 નવેમ્બરે પુણેની રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી રજા મળ્યાના એક દિવસ બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિયમિત તપાસ અને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હવે સૌની નજર 10 નવેમ્બર પછી થનારી મુલાકાત પર છે.