મુંબઈ: બોલિવૂડ અભિનેતા શરદ કપૂરે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો સામે નારાજગી વ્યક્ત કરી છે. આ વીડિયોમાં એક વ્યક્તિ તેમના હાથમાં નોટોનું બંડલ આપતો જોવા મળે છે. મંગળવારે શરદે જણાવ્યું કે તેમને ખબર નહોતી કે તે વ્યક્તિ કોણ છે. અચાનક તેણે પૈસા પકડાવીને વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું.
શરદ કપૂરે કહ્યું, “સોશિયલ મીડિયા પર ઘણી બધી ખોટી વસ્તુઓ બતાવવામાં આવે છે. હાથમાં પૈસા આપ્યા, ખબર જ ન પડી કે કોણ શું કરી રહ્યું છે. અચાનક કોઈ કહે છે કે તેને પકડો અને પછી વીડિયો બનાવવા લાગે છે.” તેમણે વધુમાં જણાવ્યું કે તેમને સમજાયું જ નહીં કે તે વ્યક્તિ કોણ હતો અને શું કરી રહ્યો હતો. હવે તેઓ આવા લોકોને મળવાનું પસંદ કરશે નહીં.
બીજી તરફ, શરદ કપૂરની નજીકની મિત્ર અને પશુ અધિકાર કાર્યકર્તા હેમા ચૌધરીએ પણ આ વીડિયો પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને જણાવ્યું કે શરદને હજુ સુધી કોઈ મોટી આર્થિક મદદ મળી નથી. હાલમાં તેમની તબીબી સંભાળની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
હેમાએ લોકોને અપીલ કરી કે શરદને પરેશાન ન કરે અને તેમની ખાનગી સ્થિતિને સોશિયલ મીડિયા પર તમાશો ન બનાવે. તેમણે કહ્યું કે શરદ મુશ્કેલ પરિસ્થિતિમાં હતા ત્યારે તેમની આસપાસના લોકો પણ તેમની મદદ માટે આગળ આવ્યા નહોતા, પરંતુ હવે કેટલાક લોકો તેમને લંચના બહાને પોતાની સાથે લઈ જઈ રહ્યા છે અને તેમની પાસેથી વીડિયો બનાવડાવી રહ્યા છે.
હેમા ચૌધરી બેજુબાન પબ્લિક વેલફેર ટ્રસ્ટ ચલાવે છે. તેમણે કહ્યું, “કોઈને રોકડા પૈસા આપીને વીડિયો બનાવવો એ મદદ નથી, તેને દેખાડો કહેવાય. તમે તેમની ખરાબ સ્થિતિનો તમાશો બનાવી રહ્યા છો.” હેમાએ આ પણ સવાલ કર્યો કે આવા વીડિયો અને બ્લોગ બનાવીને લોકો કેટલા ફોલોઅર્સ અને કેટલી કમાણી કરી રહ્યા છે.
હેમાએ જણાવ્યું કે શરદ હાલમાં આઘાતમાંથી પસાર થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેમને વારંવાર સવાલો પૂછવા, ઇન્ટરવ્યૂ લેવા અને વીડિયો બનાવવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે જ્યારે તેમણે શરદને વાયરલ વીડિયો વિશે પૂછ્યું, ત્યારે તેમણે જણાવ્યું કે તેમને ખબર જ નહોતી કે તે વ્યક્તિ કોણ હતો. તેણે હાથમાં પૈસા પકડાવ્યા અને વીડિયો બનાવવા લાગ્યો. શરદે એમ પણ કહ્યું કે બાદમાં તે વ્યક્તિએ પૈસા પાછા છીનવી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં શરદ કપૂરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને કામ આપવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ ફરીથી પોતાની કારકિર્દી શરૂ કરવા માંગે છે અને કામ કરીને પોતાની મુશ્કેલીઓમાંથી બહાર આવવા માંગે છે.
શરદની અપીલ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી મદદ માટે લોકો આગળ આવ્યા છે. ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA)એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે સલમાન ખાન શરદ કપૂરની આર્થિક મદદ કરી રહ્યા છે. એસોસિએશને સલમાનનો આભાર માનતાં કહ્યું કે મુશ્કેલ સમયમાં કોઈ કલાકારનો સાથ આપવો અન્ય લોકોમાં પણ આશા જગાવે છે. તેનાથી એવા કલાકારોને હિંમત મળે છે, જેઓ પોતાના ખરાબ સમયમાં પોતાને એકલા અનુભવતા હોય છે.
બીજી તરફ, અભિનેતા સોનુ સૂદે પણ શરદ કપૂર સાથે મુલાકાત કરી છે. AICWA મુજબ, સોનુએ તેમની સાથે એક પ્રોજેક્ટ અંગે વાત કરી છે, જેના કારણે શરદ ફરીથી કામ શરૂ કરી શકે છે. આ ઉપરાંત સોનુ તરફથી તેમના માટે તબીબી સહાયની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
શરદ કપૂરે 1996માં મહેશ ભટ્ટની ફિલ્મ 'દસ્તક'થી બોલિવૂડમાં પગ મૂક્યો હતો. જોકે, તેમને સૌથી વધુ ઓળખ વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ 'જોશ'થી મળી. આ ફિલ્મમાં તેમણે શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને ચંદ્રચૂડ સિંહ સાથે કામ કર્યું હતું.