બોલિવૂડ અભિનેતા શરદ કપૂર, જેમણે શાહરૂખ ખાન સાથે 'જોશ' ફિલ્મમાં કામ કર્યું હતું, તેઓ હાલમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ઉદ્યોગના નિર્માતાઓ અને દિગ્દર્શકોને કામ આપવાની અપીલ કરી છે. વીડિયોમાં તેઓ પોતાના ચાર પાલતુ કૂતરાઓને અસ્થાયી રૂપે મુંબઈના YODA એનિમલ વેલફેર સેન્ટરમાં મોકલતા ભાવુક જોવા મળ્યા હતા.
શરદ કપૂરે જણાવ્યું કે ફૂટબોલ રમતી વખતે તેમને પગમાં ગંભીર ઈજા થઈ છે, જેના કારણે તેઓ હાલમાં વોકરના સહારે ચાલી રહ્યા છે. ડૉક્ટરોના મતે આગામી બે મહિનામાં તેઓ સંપૂર્ણ સાજા થઈ જશે. તેમણે કહ્યું, 'હું જાન્યુઆરીથી ફરીથી કેમેરા સામે કામ શરૂ કરવા ઈચ્છું છું. મને સારા રોલ અને કામની સખત જરૂર છે. હિન્દી ફિલ્મો, સિરિયલો તેમજ OTT પ્લેટફોર્મ્સ પર કામ કરવા ઉત્સુક છું.'
ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2024માં શરદ કપૂર પર યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો હતો, જે ક્યારેય સાબિત થયો નથી. આ આરોપને કારણે તેમની કારકિર્દીને ભારે ફટકો પડ્યો હતો.
શરદ કપૂરે 'જોશ' (2000)માં વિલનના રોલથી ખૂબ લોકપ્રિયતા મેળવી હતી અને ફિલ્મફેર નોમિનેશન પણ મળ્યું હતું. તેમણે 'લક્ષ્ય', 'વાન્ટેડ', 'એલઓસી કારગિલ' અને 'ધ ગુડ મહારાજા' સહિત 40થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ મુંબઈ અને બેંગલુરુમાં રેસ્ટોરન્ટ પણ ચલાવે છે. અંગત જીવનમાં તેમણે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુની પૌત્રી કોએલ બસુ સાથે લગ્ન કર્યા છે.