બોલિવૂડ અભિનેતા શરદ કપૂર, જેમણે શાહરુખ ખાન સાથે 'જોશ' ફિલ્મમાં કામ કર્યું હતું, તેઓ હાલમાં આરોગ્યની સમસ્યાઓથી પીડિત છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ ખરાબ હાલતવાળા રૂમમાં ચાર કૂતરાઓ સાથે જોવા મળે છે. આ વીડિયોના આધારે કેટલાક લોકોએ તેમના પર પ્રાણી ક્રૂરતાના આરોપો લગાવ્યા હતા, પરંતુ પછીની તપાસમાં સામે આવ્યું કે તેમણે કોઈ ક્રૂરતા કરી નથી, પરંતુ પોતે શારીરિક તકલીફોને કારણે કૂતરાઓની સંભાળ રાખી શકતા નથી.
બેઝુબાન પબ્લિક વેલફેર ટ્રસ્ટનાં સ્થાપક હેમા ચૌધરીએ તેમના સોશિયલ મીડિયા પર શરદ કપૂરના ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે. તેમણે જણાવ્યું કે થોડા સમય પહેલાં તેમને ચાર કૂતરાઓને બચાવવા માટે એમ્બ્યુલન્સ મોકલવાની વિનંતી કરવામાં આવી હતી, અને એવું કહેવાયું હતું કે આ પ્રાણી ક્રૂરતાનો કેસ છે. જોકે, જ્યારે હેમા ત્યાં પહોંચ્યાં, ત્યારે તેમને જાણવા મળ્યું કે શરદ કપૂર પોતે સ્વાસ્થ્ય સમસ્યાથી પીડિત છે અને તેમણે કોઈ ક્રૂરતા કરી નથી. હેમાએ એવો પણ દાવો કર્યો હતો કે જે ફાઉન્ડેશને એમ્બ્યુલન્સ માટે સંપર્ક કર્યો હતો, તે અભિનેતાની ખરેખર મદદ કરી રહ્યું નહોતું. તેમણે કહ્યું કે સંજય દત્તના ઘરેથી અભિનેતા અને તેમના કૂતરાઓ માટે ભોજન મોકલવામાં આવી રહ્યું છે, પરંતુ હેમા ચૌધરીના જણાવ્યા અનુસાર, ન તો યોગ્ય ભોજન મળી રહ્યું છે કે ન તો સફાઈ થઈ રહી છે.
શરદ કપૂરની હાલત જોઈને ઘણા લોકો ચોંકી ગયા છે. આ સમાચાર મળતાં જ અભિનેત્રી જયા ભટ્ટાચાર્ય તેમને મળવા તેમના ઘરે પહોંચ્યાં અને તેમનો એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં શરદ ઉદ્યોગના લોકોને મદદની અપીલ કરી રહ્યા છે. વીડિયોમાં શરદ કહે છે, "હું સિન્ટાને અપીલ કરું છું કે હું સારા કામની શોધમાં છું. મને તમારી મદદની જરૂર છે. તમે હંમેશાં મદદ કરી છે. જો તમે મદદ કરી શકો, તો હું તમારો ખૂબ આભારી રહીશ."
શરદે જણાવ્યું કે બાર્સેલોનામાં ફૂટબોલ રમતી વખતે તેમના પગમાં ઈજા થઈ હતી. તેઓ ત્યાં અનુભવી ખેલાડીઓ સાથે રમી રહ્યા હતા, ત્યારે એક ખેલાડીનો પગ તેમના પગ સાથે અથડાયો અને તેમને ગંભીર ઈજા થઈ. હેમા ચૌધરીના જણાવ્યા મુજબ, શરદ છેલ્લા કેટલાક સમયથી શારીરિક તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છે. તેમના પગમાં ઈજા છે અને તેમને પોતાને પણ સંભાળની જરૂર છે. ઘરે તેમની પત્ની અને નવજાત બાળક પણ છે, તેથી ચાર કૂતરાઓની જવાબદારી સંભાળવી પરિવાર માટે મુશ્કેલ બની રહી હતી.
હેમાએ જણાવ્યું કે તેઓ શરદને લગભગ 30 વર્ષથી ઓળખે છે. જ્યારે તેમને અભિનેતાની વર્તમાન પરિસ્થિતિ વિશે ખબર પડી, ત્યારે તેઓ તેમને મળવા પહોંચ્યાં. ત્યારબાદ કૂતરાઓને થોડા સમય માટે YODAના સેન્ટરમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી. વીડિયોમાં શરદ કહે છે, "હાલમાં મારા ઘરની પરિસ્થિતિ થોડી સારી નથી. જ્યારે હું મારા નવા બંગલામાં શિફ્ટ થઈ જઈશ, ત્યારે YODAને કહીશ કે મારા બાળકોને પાછા આપી દે, કારણ કે હું તેમના વિના રહી શકતો નથી."
શરદ કપૂરે 1996માં મહેશ ભટ્ટની ફિલ્મ 'દસ્તક'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જોકે, તેમને સૌથી વધુ ઓળખ વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ 'જોશ'થી મળી, જેમાં તેમણે શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને ચંદ્રચૂડ સિંહ સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં તેમણે પ્રકાશ શર્માની નકારાત્મક ભૂમિકા ભજવી હતી, જેના માટે તેમને ફિલ્મફેર અવોર્ડમાં બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલની શ્રેણીમાં નામાંકન મળ્યું હતું. આ ઉપરાંત તેઓ 'તમન્ના', 'હથિયાર', 'યે હૈ જલવા', 'LOC કારગિલ', 'લક્ષ્ય' અને 'જય હો' જેવી ફિલ્મોમાં નજર આવ્યા હતા. વર્ષ 2019માં આવેલી ફિલ્મ 'જબરિયા જોડી'માં પણ તેમણે કામ કર્યું હતું.