સત્ય. સાહસ. સંકલ્પ.

શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે? અમિત ચાવડાએ કહ્યું- હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલુ

શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે? અમિત ચાવડાએ કહ્યું- હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલુ

ગુજરાતની રાજનીતિમાં એક મોટી ચર્ચા શરૂ થઈ છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે આ અંગે પાર્ટી હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલી રહી છે. હાઇકમાન્ડની મંજૂરી બાદ જ નિર્ણય લેવામાં આવશે.

શંકરસિંહ વાઘેલાએ 2017માં પોતાના જૂથના ધારાસભ્યો સાથે કોંગ્રેસ છોડી હતી. હવે 9 વર્ષ બાદ ફરી કોંગ્રેસમાં જોડાવાની તૈયારીની ચર્ચા થઈ રહી છે. અમિત ચાવડાએ જણાવ્યું કે શંકરસિંહ વાઘેલા સહિત અનેક લોકોને પાર્ટીમાં લાવવા માટે હાઇકમાન્ડ સાથે વાતચીત થઈ રહી છે.

શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર જોવા જઈએ તો તેમણે 1995માં ભાજપ સામે બળવો કરીને રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા) બનાવી હતી. કોંગ્રેસના ટેકાથી તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. પછી 2017માં તેમણે કોંગ્રેસ છોડીને પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચો બનાવી હતી, પણ તે વર્ષે વિધાનસભા ચૂંટણીમાં તેમનો એક પણ ઉમેદવાર જીત્યો નહોતો. જાન્યુઆરી 2019માં તેમણે એનસીપીમાં જોડાઈને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે કામ કર્યું, પરંતુ પાર્ટીમાં પોતાનું મહત્ત્વ ઘટતું જોઈને તેમણે એનસીપી છોડી દીધી હતી.

નવેમ્બર 2024માં શંકરસિંહ વાઘેલાના અમદાવાદ સ્થિત નિવાસસ્થાન વસંત વગડોમાં સ્નેહ મિલન યોજાયું હતું. ત્યાં તેમણે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની જાહેરાત કરી હતી.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ વિશે લોકોનો ભ્રમ તૂટી રહ્યો છે. વોટ ચોરી અને પેપર લીક જેવી ઘટનાઓથી લોકો નારાજ છે. ગુજરાતમાં પણ ઘણા લોકો ભાજપ સામે એકજૂથ થઈને કોંગ્રેસને વિકલ્પ માનીને જોડાવા માંગે છે. શંકરસિંહ વાઘેલાએ ભાજપની નીતિઓ, આરએસએસ અને નરેન્દ્ર મોદી સામે જાહેરમાં નિવેદન આપ્યાં છે અને લડત ચલાવી રહ્યા છે. તેમની પાર્ટી અને તેમના લોકો સાથે પણ વાતચીત ચાલી રહી છે.

ચાવડાએ વધુમાં કહ્યું કે 2027માં પરિવર્તન લાવવા માટે તમામ તાકાતોને એક મંચ પર લાવવાનો સંકલ્પ છે. તેમણે દાવો કર્યો કે ભાજપના નેતાઓ પણ આંતરિક ગેંગવોરથી પરેશાન છે અને અન્ય પાર્ટીઓને પણ કોંગ્રેસ જ એક વિકલ્પ લાગે છે. આગામી સમયમાં ઘણા લોકો અને નેતાઓ કોંગ્રેસ સાથે એક મંચ પર જોવા મળશે.