સત્ય. સાહસ. સંકલ્પ.

શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે? કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે કહ્યું- હાઈકમાન્ડ સાથે ચર્ચા ચાલુ

શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે? કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે કહ્યું- હાઈકમાન્ડ સાથે ચર્ચા ચાલુ

ગુજરાતની રાજનીતિમાં ચર્ચા જોર પકડી રહી છે કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે છે. એબીપી અસ્મિતા સાથેની ટેલીફોનિક વાતચીતમાં વાઘેલાએ પણ આ માટે તૈયારી દર્શાવી છે.

આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે આ મુદ્દે પાર્ટી હાઈકમાન્ડ સાથે ચર્ચા ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાએ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા તેમના જૂથના ધારાસભ્યો સાથે કોંગ્રેસને તોડી હતી. હવે નવ વર્ષ બાદ ફરી કોંગ્રેસમાં વાપસીની તૈયારીઓ શરૂ થઈ હોવાની ચર્ચા છે.

આ અંગે કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય ડો. કિરીટ પટેલે કહ્યું કે આ વિશે તેમની પાસે કોઈ જાણકારી નથી. જો ખરેખર શંકરસિંહ કોંગ્રેસમાં જોડાવા ઈચ્છતા હોય તો તેમને સ્વીકારવા જોઈએ. તેમણે વાઘેલાને સન્માનનીય નેતા ગણાવ્યા અને ભાજપ તથા કોંગ્રેસ સંગઠનમાં તેમના લાંબા રાજકીય અનુભવનો ઉલ્લેખ કર્યો.

બીજી તરફ કોંગ્રેસ નેતા લલિત વસોયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાય તો પાર્ટીને ફાયદો થઈ શકે છે અને 2027ની ચૂંટણીમાં પણ તેનો લાભ મળી શકે છે. તેમણે વાઘેલાના ભૂતકાળના રાજકીય કામોનો પણ ઉલ્લેખ કર્યો.