સત્ય. સાહસ. સંકલ્પ.

શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસમાં પુનરાગમન: 27 લાખ ક્ષત્રિય મતદારો પર શું પ્રભાવ?

શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસમાં પુનરાગમન: 27 લાખ ક્ષત્રિય મતદારો પર શું પ્રભાવ?

ગાંધીનગર: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાવાની શક્યતાએ ગુજરાતના રાજકારણમાં ચર્ચા તેજ કરી છે. બાપુ કોંગ્રેસમાં પરત ફરે તો તેની રાજકીય અને સામાજિક અસર કેટલી થશે તે અંગે રાજકીય વિશ્લેષકો અને રાજપૂત સમાજના આગેવાનો વચ્ચે મતભેદ છે.

રાજકીય વિશ્લેષક જયનારાયણ વ્યાસના મતે શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં આવવાથી ઘણો ફરક પડી શકે છે. તેમણે કહ્યું, "ભાજપ સામે ટક્કર લેવી હોય તો મજબૂત નેતૃત્વ જરૂરી છે અને કોંગ્રેસને સમગ્ર ગુજરાતમાં ચાલે તેવા ચહેરાની જરૂર છે, જે જરૂરિયાત બાપુ પૂરી કરી શકે છે." તેમના મતે વાઘેલાને પણ રાજકીય પ્લેટફોર્મની જરૂર છે અને કોંગ્રેસ એ પ્લેટફોર્મ આપી શકે છે, એટલે બંને માટે આ 'વિન-વિન' સ્થિતિ બની શકે છે.

વ્યાસે વધુમાં કહ્યું કે વાઘેલાને ગુજરાતના રાજકારણ અને ભાજપના રાજકીય માળખાની લાંબી સમજ છે. દરેક વિસ્તારની રાજકીય સ્થિતિ, નેતાઓ અને કાર્યકરોની જાણકારી તથા લાંબો અનુભવ તેમની તાકાત બની શકે છે. તેમના મતે વાઘેલાનો જાણીતો ચહેરો અને લોકો સાથેનું હૂંફાળું વ્યક્તિત્વ પણ રાજકીય રીતે મહત્વનું બની શકે છે.

જોકે વ્યાસે સ્પષ્ટ કર્યું કે માત્ર શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં આવે એટલાથી પરિણામ બદલાઈ જશે એવું કહેવું વહેલું છે. કોંગ્રેસે પોતાનું ગ્રાસરૂટ સંગઠન મજબૂત કરવું પડશે અને બુથ સ્તર સુધી કાર્યકરોને સક્રિય કરવા પડશે. તેમના મતે આગામી છ મહિનામાં દરેક બેઠકનું રાજકીય ગણિત વધુ સ્પષ્ટ થઈ શકે છે અને હાલ કોઈ ચોક્કસ પરિણામની આગાહી કરવી વહેલી ગણાશે.

વ્યાસે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં આંતરિક પડકારો હોવાની વાત પણ કરી હતી. તેમના મતે જો વિપક્ષના મતનું વિભાજન અટકે અને મજબૂત નેતૃત્વ સાથે સંગઠન મતદારોને બુથ સુધી લઈ જઈ શકે તો રાજકીય પરિસ્થિતિમાં ફેરફારની શક્યતા ઊભી થઈ શકે છે.

રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશીના મતે વાઘેલા વિવિધ સામાજિક કે જનઆંદોલનોને અસરકારક રીતે ટેકો આપે તો તેમની ભૂમિકા મહત્વની બની શકે. તેમણે કહ્યું કે કોઈપણ મોટા આંદોલન માટે સર્વસ્વીકૃત નેતૃત્વની જરૂર હોય છે. જોકે બાપુએ પોતાની ભૂમિકા શું રહેશે અને કયા મુદ્દાઓને લઈને રાજકીય રીતે આગળ વધશે તે સ્પષ્ટ કરવું પડશે.

જોશીના મતે આજના યુવાનોના મુદ્દા—શિક્ષણ, રોજગાર અને શિક્ષણમાં ભ્રષ્ટાચાર જેવા પ્રશ્નો—સાથે વાઘેલા જોડાઈ શકે અને યુવાનો સાથે સીધો સંવાદ સ્થાપી શકે તો તેમની અસર વધી શકે છે. માત્ર પરંપરાગત રાજકીય ઓળખ પૂરતી નહીં રહે; નવી પેઢી સાથે જોડાણ જરૂરી રહેશે.

રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીના મતે શંકરસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણમાં લાંબા અનુભવ ધરાવતા અને વ્યાપક સ્વીકાર ધરાવતા નેતા છે. તેમના મતે છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસમાં જોવા મળેલી નિષ્ક્રિયતાની સ્થિતિમાં બાપુનું આગમન કાર્યકરોમાં નવી સક્રિયતા લાવી શકે છે.

ગઢવીના મતે કોંગ્રેસની બહાર ગયેલા કેટલાક કાર્યકરો પણ વાઘેલાના નેતૃત્વને કારણે ફરી કોંગ્રેસ સાથે જોડાઈ શકે છે. તેમણે એવો પણ મત વ્યક્ત કર્યો કે ભાજપમાં ગયેલા કેટલાક કાર્યકરો મૂળ કોંગ્રેસ સાથે જોડાયેલા હોય અને મજબૂત નેતૃત્વના અભાવે ભાજપમાં ગયા હોય તો વાઘેલા પાછા આવે ત્યારે તેઓ પણ કોંગ્રેસમાં પરત ફરવાની શક્યતા ઊભી થઈ શકે છે.

તેમણે વાઘેલાની સ્થાનિક રાજકીય સમજ અને ઉમેદવાર પસંદગીની ક્ષમતાને પણ મહત્વની ગણાવી. તેમના મતે ગામ, તાલુકા અને વિસ્તાર પ્રમાણે રાજકીય સમીકરણ સમજવાની વાઘેલાની ક્ષમતા ચૂંટણીમાં ઉપયોગી બની શકે છે.

રાજપૂત સમાજના એક આગેવાનના મતે બાપુ કોંગ્રેસમાં આવે તો સામાજિક સ્તરે પણ અસર થઈ શકે છે. ખાસ કરીને કોંગ્રેસ સાથે જોડાયેલા અને હાલમાં નિષ્ક્રિય રાજપૂત આગેવાનો ફરી સક્રિય થઈ શકે છે. જ્યાં રાજપૂત સમાજની સંખ્યા નોંધપાત્ર છે તેવા વિસ્તારોમાં બાપુના આગમનની અસર જોવા મળી શકે છે.

જોકે અન્ય એક રાજપૂત આગેવાને વાઘેલાના અગાઉના રાજકીય પક્ષ પરિવર્તનોને ધ્યાનમાં રાખીને વિશ્વાસનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમના મતે વાઘેલા અગાઉ ભાજપમાં રહ્યા, ત્યારબાદ કોંગ્રેસમાં આવ્યા અને પછી અલગ પક્ષ બનાવ્યો હોવાથી વારંવાર પક્ષ બદલવાની છાપને કારણે સમાજના તમામ વર્ગોમાં વિશ્વાસનો અભાવ પણ સર્જાઈ શકે છે.