સત્ય. સાહસ. સંકલ્પ.

શંકરસિંહ વાઘેલા: RSSથી મુખ્યમંત્રી સુધીની રાજકીય સફર, ફરી કોંગ્રેસમાં જોડાવાના સંકેત

શંકરસિંહ વાઘેલા: RSSથી મુખ્યમંત્રી સુધીની રાજકીય સફર, ફરી કોંગ્રેસમાં જોડાવાના સંકેત

ગુજરાતના રાજકારણમાં 'બાપુ' તરીકે ઓળખાતા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવા સંકેત મળી રહ્યા છે. તેમણે RSS અને ભાજપ સાથે કામ શરૂ કર્યું, ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી, કેન્દ્રીય કાપડ મંત્રી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતા જેવી અનેક જવાબદારીઓ નિભાવી છે. તેમની કારકિર્દીમાં પક્ષ બદલવાના કેટલાય તબક્કા આવ્યા છે.

શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઈ 1940ના રોજ ગાંધીનગરના વસાણ ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો. રાજકારણમાં આવતાં પહેલાં તેઓ RSS સાથે જોડાયા હતા. સંઘ અને પછી ભાજપમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી. કટોકટીના સમયમાં તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો.

વાઘેલાએ 1977થી 1979 દરમિયાન કપડવંજ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું. ત્યારબાદ જનતા પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ રહ્યા. 1980માં તેઓ કપડવંજમાંથી ચૂંટણી હારી ગયા. આ પછી તેઓ ભાજપમાં સક્રિય થયા અને 1980થી 1991 સુધી પ્રદેશ ભાજપના મહાસચિવ રહ્યા.

તેઓ 1984થી 1989 દરમિયાન રાજ્યસભાના સાંસદ રહ્યા. 1989માં ગાંધીનગર લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા. 1991માં ગોધરા લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી.

1995માં ગુજરાતમાં ભાજપ સત્તામાં આવ્યા બાદ મુખ્યમંત્રી પદને લઈને આંતરિક ખેંચતાણ વચ્ચે શંકરસિંહ વાઘેલાએ ભાજપથી અલગ થવાનો નિર્ણય લીધો. 1996માં તેમણે ભાજપ છોડીને રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJP)ની રચના કરી. કોંગ્રેસના સમર્થનથી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. તેમના કાર્યકાળને 'ટનાટન સરકાર' તરીકે ઓળખવામાં આવે છે. તેમનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ 23 ઓક્ટોબર 1996થી 27 ઓક્ટોબર 1997 સુધીનો હતો.

મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ 1997માં RJPનું કોંગ્રેસમાં વિલીનીકરણ થયું અને વાઘેલા કોંગ્રેસમાં જોડાયા. ત્યારબાદ તેમણે કોંગ્રેસ સંગઠનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી. તેઓ ફરી લોકસભામાં પહોંચ્યા અને 1999 તથા 2004માં કપડવંજ લોકસભા બેઠક પરથી સાંસદ રહ્યા. UPA સરકારના સમયગાળા દરમિયાન તેમને કેન્દ્રીય કાપડ મંત્રી તરીકેની જવાબદારી મળી. 2009માં તેઓ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા. 2012માં તેમણે કપડવંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતીને ગુજરાત વિધાનસભામાં પ્રવેશ કર્યો.

2012માં ધારાસભ્ય બન્યા બાદ તેમને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકેની જવાબદારી મળી. આ સમયગાળામાં તેઓ કોંગ્રેસના મુખ્ય ચહેરાઓમાંના એક રહ્યા. 2017માં તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો અને જન વિકલ્પ મોરચાની સ્થાપના કરી. જોકે, જન વિકલ્પ પાર્ટી વિધાનસભામાં એક પણ બેઠક જીતી શકી નહોતી.

2019માં શંકરસિંહ વાઘેલા NCPમાં જોડાયા અને રાષ્ટ્રીય મહામંત્રીની જવાબદારી સંભાળી. 2020માં તેમણે NCPમાંથી રાજીનામું આપી દીધું. 2024માં તેમણે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરી.

શંકરસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણમાં લાંબા સમયથી 'બાપુ' તરીકે ઓળખાય છે. RSSથી શરૂ થયેલી તેમની રાજકીય સફરમાં ભાજપ, રાષ્ટ્રીય જનતા પાર્ટી, કોંગ્રેસ, જન વિકલ્પ, NCP અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી સુધીના અનેક પડાવ આવ્યા છે. તેઓ લોકસભા અને રાજ્યસભા બંનેના સાંસદ રહ્યા છે, તેમજ ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારમાં કાપડ મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી છે.