સત્ય. સાહસ. સંકલ્પ.

શંકરસિંહ વાઘેલાના જ્ઞાતિ નિવેદન પર વિવાદ: સુરતના યુવા કાર્યકર્તાએ માફી માગી

શંકરસિંહ વાઘેલાના જ્ઞાતિ નિવેદન પર વિવાદ: સુરતના યુવા કાર્યકર્તાએ માફી માગી

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સવર્ણ જ્ઞાતિઓ અંગે કરેલા એક નિવેદન બાદ ગુજરાતમાં રાજકીય વિવાદ ઉભો થયો છે. આ નિવેદનમાં તેમણે પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમાજના યુવાનોને મેલું ઉપાડવાની નોકરી કરવાની વાત કહી હતી અને મહિને 50,000 રૂપિયા આપવાની ઓફર કરી હતી.

આ વિવાદ વચ્ચે સુરતના ભાજપના યુવા કાર્યકર્તા અભી ઠાકરે શંકરસિંહ વાઘેલાને સીધો ફોન કરીને તેમની જ્ઞાતિ વિષયક ટિપ્પણીઓ અંગે સવાલો પૂછ્યા હતા. ટેલિફોનિક વાતચીતમાં અભીએ પૂછ્યું હતું કે, 'શું અમે બ્રાહ્મણના દીકરા છીએ એટલે અમારી ભૂલ છે?' જવાબમાં વાઘેલાએ કહ્યું હતું કે, 'દલિતોની જૂની હાલતનો રેફરન્સ હતો.'

ત્યારે અભી ઠાકરે કહ્યું કે, 'રેફરન્સમાં બ્રાહ્મણ, વાણિયા અને પટેલની જ્ઞાતિ કેમ વચ્ચે લાવી? જાહેર મંચ પરથી માફી માગો. વર્તમાન સમયમાં જ્ઞાતિવાદ ચલાવવાનો કોઈ અર્થ નથી અને તાત્કાલિક ખુલાસો કરવો જોઈએ.'

ભાસ્કરે શંકરસિંહ વાઘેલાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ વ્યસ્ત હોવાથી સંપર્ક થઈ શક્યો નથી. તેમના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, 'બાપુ દરેક સાથે ફોન પર વાત કરતા હોય છે, એટલે કદાચ કરી પણ હોય.'

ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાએ નર્મદામાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 'અનામત કોઈ મહેરબાની કરીને નથી આપેલી, આખી જિંદગી ભોગવ્યું છે. હું બધાને કહું તમારે જો મેલું ઉપાડવાવાળી નોકરી કરવી હોય, તમે પટેલ-વાણિયા-બ્રાહ્મણ કોઈપણ હોવ, જે આના વિરોધી હોવ, તો મેલું ઉપાડવા માટે મહિને ₹50,000 પગાર હું તમને આપું.' આ શબ્દોથી સવર્ણ જ્ઞાતિઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અભી ઠાકરે કહ્યું કે, 'રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો મારા પર વોટ્સએપ કૉલ હતો. સવર્ણ જ્ઞાતિ માટે નિવેદન જે - પટેલ, વાણિયા અને બ્રાહ્મણના દીકરાઓ માટે જે અભદ્ર ભાષા વાપરી છે અને 50,000ના પગારદારે રાખવાની વાત કરી છે. તેની વાત પર મેં ફોન કર્યો હતો અને એમનો વોટ્સએપ કૉલ આવ્યો હતો. બાપુ સાડા સાત મિનિટ સુધી અમને સમજાવતા હતા.'

અભી ઠાકરે ફોન પર બાપુને તેમના જ ભૂતકાળના ભાષણોની યાદ અપાવતા કહ્યું હતું કે, 'તમે ક્ષત્રિય સમાજને સદા સમજાવતા આવ્યા છો કે બ્રાહ્મણોની રક્ષા કરવી એ આપણો ધર્મ છે. તો આજે તમે જ બ્રાહ્મણ, વાણિયા અને પટેલના દીકરાઓને મેણાં મારીને પોદળા ઉપાડવાની વાત કઈ રીતે કરી શકો છો? રાજકારણ માટે આવી રીતે વર્ગ અને જ્ઞાતિ વચ્ચે વિતરણ કરાવવું યોગ્ય નથી. આજે દરેક સમાજના લોકો એકબીજા સાથે મિત્રતા અને સદભાવનાથી રહે છે, ત્યારે આવા નિવેદનોથી સવર્ણોની ઈજ્જત અને સ્વાભિમાનને ઠેસ પહોંચે છે.'

વાતચીત દરમિયાન અભીએ સવર્ણ યુવાનોની વર્તમાન આર્થિક સ્થિતિની વાસ્તવિકતા પણ જણાવી હતી. અભીએ કહ્યું હતું કે, 'આજે સુરત મહાનગરપાલિકામાં 50 એવા છોકરાઓ છે જે બ્રાહ્મણ કે પટેલના દીકરા છે અને માત્ર રૂ.20-25 હજારના પગાર માટે ગટરમાં ઉતરીને કામ કરી રહ્યા છે. આજે સમય બદલાઈ ગયો છે. 15થી 20 હજાર માટે બ્રાહ્મણના દીકરાઓ ગાડીઓ પણ સાફ કરે છે. આજે ઉચ્ચ હોદ્દાઓ પર પણ આદિવાસી અને અન્ય વર્ગના લોકો છે, ત્યારે સવર્ણોએ પોતાનું ઘર ચલાવવા માટે ગમે તે કામ કરવું પડે છે. 50 હજારનો પગાર તો આજે સવર્ણો માટે પણ બહુ મોટી વાત થઈ ગઈ છે.'

અંતમાં યુવકે શંકરસિંહ વાઘેલાને રૂબરૂ મળવાને બદલે અથવા મીડિયામાં જવાને બદલે સીધી રીતે સોશિયલ મીડિયા પર જ ખુલાસો કરવાની માગ કરી હતી. ઠાકરે કહ્યું કે, 'સાહેબ તમારી આ પોસ્ટ અને કટિંગ્સ ઘણા સમાજના ગ્રુપોમાં ફરે છે અને અમારી ઓકાત બતાવવાની વાતો થાય છે. તમે સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ છો, તો તેમાં જ સમાજ અને જ્ઞાતિને એક વાત કહીને ડાયરેક્ટ સ્પષ્ટતા કરી દો.' બાપુને તેમની આ ભૂલ સમજીને જાહેર માફી કે ખુલાસો કરવાની અપીલ કરી હતી.

આ પહેલા, બ્રહ્મ સમાજના અગ્રણી અને ભાજપના નેતા યજ્ઞેશ દવે અને પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ પણ વિરોધ કર્યો હતો અને બાપુ માફી માગે તેવી માગ કરી હતી. યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે, 'મારે બાપુને એ કહેવાનું છે કે શંકરસિંહ બાપુ આવા શુભ કાર્યોની શરૂઆત તમે તમારા પોતાના જાતથી જ કરો. તમે મારા ઘરનું મેલું ઉપાડો હું પાંચ લાખ રૂપિયા દર મહિને તમને આપીશ.'