ગુજરાત કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા વચ્ચે શંકરસિંહ વાઘેલાએ નર્મદા જિલ્લાના સાગબારા ખાતે આપેલા નિવેદનથી રાજકીય ગરમાવો વધ્યો છે. બીજી ઓક્ટોબરે ખોપી ગામે યોજાયેલા સંમેલનમાં તેમણે બ્રાહ્મણ, પટેલ અને વાણિયા સમાજને લઈને જે ટિપ્પણી કરી, તેના પર હવે ચર્ચા ચાલી રહી છે. આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ હાજર હતા.
શંકરસિંહ વાઘેલાએ પોતાના પ્રવચનમાં મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મ જયંતીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, એક વાણિયા અને બીજા બ્રાહ્મણ હતા. ત્યારબાદ તેમણે આદિવાસી સમસ્યાઓ પર વાત કરી. તેમણે કહ્યું કે આદિવાસી લોકો અલગ ભીલિસ્તાનની માગણી કરી રહ્યા છે, અને જો અલગ પ્રદેશને અમે સમર્થન આપીએ તો તેનું વજન વધી જાય. તેમણે ઉમેર્યું કે આદિવાસી બાળકને ભણવાની સગવડ નથી, બીમાર પડે તો હોસ્પિટલની સગવડ નથી, અને જંગલની જમીનના સાચા માલિક આદિવાસીઓ છે, જંગલ ખાતું નહીં. આદિવાસીઓ 27 વિધાનસભા સીટના માલિક છે, એમ તેમણે જણાવ્યું.
અનામત અંગે વાત કરતાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે અનામત કોઈની મહેરબાનીથી નથી મળી, તેના માટે લોકોએ આખી જિંદગી સંઘર્ષ કર્યો છે. તેમણે કહ્યું, 'જો મેલું ઉપાડવાની નોકરી કરવી હોય તો પટેલ, બ્રાહ્મણ, વાણિયા કોઈપણ હોય, જે આના વિરોધી હોય તેને હું મહિને 50 હજાર પગાર આપું, તમે આ લોકોનું મેલું ઉપાડો.' તેમણે ઉમેર્યું કે આદિવાસી સમાજ જે હાલતમાં છે તે હાલતમાં રહો, તો ખબર પડે કે તે કેવી હાલત છે. એટલે આ લોકોએ જે ભોગવ્યું તેનું વળતર આ અનામત છે. શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઈબ, અધર બેકવર્ડ ક્લાસ... તમે 70 ટકા છો, તમે ગુજરાતના માલિક છો. 2027ની ચૂંટણીમાં કોઈપણ દબાણ કે શરમ વગર જે થવું હોય તે થાય, પણ અમારે આ સરકાર નહીં જોઈએ, બીજી સરકાર લાવીશું, એવું નક્કી કરો.
આ નિવેદન બાદ વિવાદ ઊભો થયો છે. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા વચ્ચે આ નિવેદન આપ્યું છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે.
આ વિવાદમાં 'મેલું ઉપાડવું' શબ્દનો અર્થ સમજવો જરૂરી છે. મેલું ઉપાડવું એટલે બીજાઓનું મળમૂત્ર સાફ કરવું. આ ધૃણાસ્પદ અને માણસના આત્મસન્માનને હણી નાખતું કામ ભારતમાં દલિત ગણાતી કેટલીક જાતિઓ સદીઓથી કરતી આવી છે. પહેલાના સમયમાં ગટર નહોતી, પણ ટોઈલેટ માટે ડબ્બા સિસ્ટમ હતી. ઘરમાં નાની ઓરડી જેવી જગ્યામાં પતરાંનો ડબ્બો પડ્યો હોય, તેમાં ટોઈલેટ કરવાનું. આ ડબ્બો શેરીમાંથી ખેંચીને લઈ જવાય તેવી વ્યવસ્થા હતી, જેને 'ડબ્બા સંડાસ' કહેવાતું. તેમાં મળમૂત્ર સીધા નીચે રાખેલા ડબ્બામાં પડે, જેને દૂર જઈને ફેંકવાના. કોઈ ડબ્બા લઈને ફેંકી આવતા, તો કોઈ ડબ્બામાંથી મેલું ટોપલામાં ઠલવે અને તે ટોપલો ગામ બહાર નાખી આવતા.
સમય જતાં સેપ્ટિક ટેન્ક આવી, પછી ભૂગર્ભ ગટર લાઈનો આવી, પણ આજે પણ ગટર ઊભરાય કે ગટરમાં ઉતરીને સફાઈ કરવાની હોય તો દલિત સફાઈ કામદારોને જ બોલાવાય છે. 'અદૃશ્ય ભારત' પુસ્તકમાં લેખિકા ભાષાસિંહે આ અંગે ઘણી વાતો લખી છે. ગુજરાતમાં મોદી સરકાર હતી ત્યારે 'નિર્મલ રાજ્ય' ઘોષિત કરીને દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં મેલું ઉપાડવાની કુપ્રથા નાબૂદ થઈ ગઈ છે. જોકે 2006 થી 2009 દરમિયાન જમીની સ્તરે અભ્યાસ અને સર્વે થયા, જેમાં સરકારી દાવા પોકળ સાબિત થયા.
લેખિકા ભાષાસિંહે નોંધ્યું છે તે પ્રમાણે, 2006માં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સીસને ગુજરાતમાં મેલું ઉપાડવાની સ્થિતિ વિશે રિપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. 30 સપ્ટેમ્બર 2006ના રોજ આ રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો, પણ સરકારે ન તેનો સ્વીકાર કર્યો કે ન તેની વિગતો બહાર પાડી. છાનબીન પછી આખરે ખબર પડી કે રિપોર્ટમાં માત્ર એ ગામડાંનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેની વસ્તી દસ હજાર કરતાં વધારે હોય. આ માપદંડ અનુસાર જ્યાં મેલું ઉપાડવાની પ્રથા ચાલતી હતી એવાં મોટા ભાગનાં ગામડાં રિપોર્ટમાંથી બહાર રહી ગયાં.