સત્ય. સાહસ. સંકલ્પ.

નવા વર્ષે શામળાજી અને સાળંગપુરમાં ભવ્ય શણગાર, ભક્તોની ભીડ

નવા વર્ષે શામળાજી અને સાળંગપુરમાં ભવ્ય શણગાર, ભક્તોની ભીડ

વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષનો પ્રારંભ ગુજરાતમાં ભક્તિ અને આસ્થાના વાતાવરણ સાથે થયો છે. નવા વર્ષના પ્રથમ દિવસે લોકોએ મંદિરોમાં જઈને ભગવાનના દર્શન કર્યા હતા. રાજ્યના પ્રસિદ્ધ મંદિરો અને યાત્રાધામોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી.

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં મોટી સંખ્યામાં ભક્તો શામળિયાના દર્શન માટે ઉમટ્યા હતા. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી હતી. નવા વર્ષના પાવન અવસરે શામળિયાને 6 કરોડ રૂપિયાના સોનાનો મુગટ અને 50 લાખ રૂપિયાની સોનાની મોજડી પહેરાવીને શણગાર કરવામાં આવ્યો હતો. આ ભવ્ય શણગારમાં શામળિયા શેઠ દીપી ઉઠ્યા હતા. શામળિયાના અલૌકિક શણગારના દર્શન કરવા માટે મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી.

બીજી તરફ સાળંગપુરમાં પણ સવારથી કષ્ટભંજન દેવના દર્શને ભક્તો ઉમટ્યા હતા. નવા વર્ષે કષ્ટભંજન દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી તૈયાર કરવામાં આવેલા ભવ્ય સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. કષ્ટભંજન દેવનો આ શણગાર ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને મારૂતિનંદન આ શણગારમાં દીપી ઉઠ્યા હતા.

નૂતન વર્ષના પાવન અવસરે સાળંગપુર ધામના સંતોએ પણ તમામ ભક્તોને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. નવા વર્ષમાં સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ આરોગ્ય જળવાઈ રહે તેમજ સૌનું સર્વાંગી કલ્યાણ થાય તેવી કષ્ટભંજનદેવના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી.