ઈસ્ટ ઝોને 13 વર્ષ બાદ દુલીપ ટ્રોફી જીતી છે. ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ઈસ્ટ ઝોને પ્રથમ ઈનિંગ્સની લીડના આધારે સાઉથ ઝોનને હરાવ્યો હતો. આ મેચ ઈસ્ટ ઝોનના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે ખાસ બની રહી, કારણ કે તે તેમની 100મી ફર્સ્ટ ક્લાસ મેચ હતી.
10 સપ્ટેમ્બરે મેચ પૂરી થયા બાદ એક ભાવુક દૃશ્ય સર્જાયું. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઈસ્ટ ઝોન તરફથી શમીને એક જર્સી ભેટમાં આપી, જેના પર ટીમના ખેલાડીઓના ઓટોગ્રાફ હતા. આ ભેટથી શમી ઇમોશનલ થઈ ગયા.
શમીએ વૈભવની પ્રશંસા કરતા કહ્યું, 'અમારી ટીમનો બાળક વૈભવ સૂર્યવંશી લગભગ મારી ક્રિકેટ સફર જેટલો જ જૂનો છે. તેનામાં યુવાનો જેવી માસૂમિયત છે, તેને મજાક-મસ્તી ગમે છે અને તે ઝડપથી શીખે છે.'
શમીએ જણાવ્યું કે આજના યુવા ક્રિકેટરોને નાની ઉંમરે જ IPL અને અન્ય હાઈ-પ્રેશર ટૂર્નામેન્ટમાં રમવાનો અનુભવ મળે છે, જેનાથી તેમની મેચ સમજવાની ક્ષમતા ઝડપથી વિકસે છે. તેમણે કહ્યું કે યુવા ખેલાડીઓને દરેક વસ્તુ શીખવવાને બદલે યોગ્ય સમયે સાચી સલાહ આપવી જરૂરી છે.
ફાઈનલમાં શમીએ બે મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી. તેમણે રવિચંદ્રન સ્મરણ અને શેખ રશીદને આઉટ કરીને ઈસ્ટ ઝોનની જીતમાં યોગદાન આપ્યું. શમીએ કહ્યું કે 100મી મેચમાં જીત મેળવવી તેમના માટે વિશેષ સંતોષની ક્ષણ છે. તેમણે ટીમના પ્રદર્શનના વખાણ કરતા કહ્યું કે ખેલાડીઓએ ગરમી અને મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં ટૂર્નામેન્ટ દરમિયાન પોતાનું સર્વસ્વ આપી દીધું.
શમીએ પોતાની કારકિર્દી વિશે કહ્યું કે ખેલાડીની મહેનત અને એટિટ્યુડમાં ફેરફાર ન આવવો જોઈએ. તેમનું માનવું છે કે ટીમની જર્સી પહેરતી વખતે ખેલાડીમાં ટીમ માટે કંઈક કરવાની અને મેચ જીતવાની ભૂખ હોવી જોઈએ. મેદાન પર મળતી દરેક તકને જવાબદારીપૂર્વક ઝડપી લેવી એ જ મહત્ત્વપૂર્ણ છે.