બોલિવૂડના જાણીતા અભિનેતા શક્તિ કપૂર આજે 74 વર્ષના થયા છે. લગભગ 700થી વધુ ફિલ્મોમાં વિલન અને કોમેડી ભૂમિકાઓ ભજવનાર શક્તિની અંગત જીવનની પ્રેમકહાણી પણ ઘણી રસપ્રદ છે. તેમણે અભિનેત્રી શિવાંગી કોલ્હાપુરે સાથે લગ્ન કર્યા, જે દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરના સંબંધી છે. કપિલ શર્માના શોમાં શક્તિએ જણાવ્યું હતું કે, ફિલ્મ 'કિસ્મત'ના સેટ પર શિવાંગીને પહેલી નજરમાં જોઈને તેમણે નક્કી કરી લીધું હતું કે લગ્ન કરીશું તો આ જ છોકરી સાથે. મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ.
સંબંધની શરૂઆતમાં શિવાંગીના પરિવારે સખત વિરોધ કર્યો હતો. તે સમયે શક્તિની ઉંમર લગભગ 30 વર્ષ અને શિવાંગી માત્ર 18 વર્ષની હતી. શક્તિ મોટાભાગે વિલનની ભૂમિકા ભજવતા હોવાથી પરિવારને આ સંબંધ પસંદ નહોતો. પરિવારે શિવાંગીને રૂમમાં બંધ કરી દીધી હતી. છતાં, 1982માં શિવાંગી ઘરેથી ભાગીને શક્તિ સાથે કોર્ટ મેરેજ કરી લીધા. શક્તિનો પરિવાર પણ શરૂઆતમાં ખચકાતો હતો, પરંતુ શિવાંગી લતા મંગેશકરની ભત્રીજી હોવાની વાત જાણ્યા પછી તેઓ રાજી થયા.
લગ્ન પછી શિવાંગીના માતા-પિતા થોડા વર્ષો સુધી નારાજ રહ્યા. પરંતુ પુત્ર સિદ્ધાંત અને પુત્રી શ્રદ્ધાના જન્મ પછી બંને પરિવારો વચ્ચેની કડવાશ દૂર થઈ અને સંબંધ સ્વીકાર્યો. અખબારમાં એવું પણ છપાયું હતું કે ત્રણ મહિનામાં તેમના છૂટાછેડા થઈ જશે, પરંતુ એવું કંઈ ન બન્યું. શક્તિએ જણાવ્યું કે, તેમના સસરાએ તેમની પ્રશંસા કરતા કહ્યું હતું કે, 'તારા જેવો જમાઈ મેં ક્યાંય જોયો નથી.'
શિવાંગી કોલ્હાપુરે અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેનાં મોટાં બહેન છે. તેમણે 'કિસ્મત'માં અભિનય કર્યો હતો, પરંતુ 'યાદોં કી બારાત' અને 'બારૂદ' જેવી ફિલ્મોમાં તેમણે બાળ કલાકાર તરીકે અવાજ આપ્યો હતો. લતા મંગેશકર સાથેનો સંબંધ એ રીતે છે કે, શિવાંગીના પિતા પંડિત પંઢરીનાથ કોલ્હાપુરે, લતા મંગેશકર અને આશા ભોસલેના પિતરાઈ ભાઈ થાય છે.
શક્તિ કપૂરે 1977માં 'ખેલ ખિલાડી કા'થી ફિલ્મી કારકિર્દી શરૂ કરી. 'કુર્બાની' અને 'રોકી'માં વિલનની ભૂમિકાથી તેમને ઓળખ મળી. 1990ના દાયકામાં તેમણે કોમેડીમાં પણ નામ કમાયું. 'રાજા બાબુ'માં નંદુની ભૂમિકા માટે તેમને ફિલ્મફેર બેસ્ટ કોમેડિયન એવોર્ડ મળ્યો. 'અંદાઝ અપના અપના'માં ક્રાઈમ માસ્ટર ગોગો, 'ચાલબાઝ', 'બોલ રાધા બોલ', 'હંગામા' જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ યાદગાર રહી. તેમણે FTIIમાં અભ્યાસ કર્યો છે.