સત્ય. સાહસ. સંકલ્પ.

શાહજહાંપુરમાં હનુમાન મંદિરમાં બે વૃદ્ધ સાધુઓને જીવતા સળગાવ્યા, જમીન વિવાદમાં આરોપીની ધરપકડની તપાસ

શાહજહાંપુરમાં હનુમાન મંદિરમાં બે વૃદ્ધ સાધુઓને જીવતા સળગાવ્યા, જમીન વિવાદમાં આરોપીની ધરપકડની તપાસ

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં આવેલા હનુમાન મંદિરમાં રહીને પૂજા અને સેવાનું કામ કરતા બે વૃદ્ધ સાધુઓને બુધવારે મોડી રાત્રે લગભગ ૧ વાગ્યે જીવતા સળગાવી દેવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. મૃતકોની ઓળખ ગોપાલ દાસ અને મોટા દાસ તરીકે થઈ છે. મોટા દાસ દિવ્યાંગ હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, બંને વૃદ્ધોને અલગ-અલગ બાંધીને તેમના પર આગ ચાંપવામાં આવી હતી. મંદિર જે જમીન પર આવેલું છે, તે જમીન સુમિત સિંહ નામના વ્યક્તિના પરિવારની હોવાનું અને તે જમીન પર કબજાને લઈને બંને સાધુઓ સાથે લાંબા સમયથી વિવાદ ચાલતો હોવાનું ગામલોકોએ જણાવ્યું છે.

ગામલોકોના જણાવ્યા પ્રમાણે, બુધવારે રાત્રે સુમિત ગામમાં ફરતો હતો અને ત્યારબાદ હનુમાન મંદિરે પહોંચ્યો હતો. ત્યાં બંને વૃદ્ધો સાથે તેનો ઝઘડો થયો હતો. આ પછી સુમિતે બંને સાથે મારપીટ કરી હોવાની અને તેમને અલગ-અલગ બાંધી દીધા હોવાની શક્યતા છે. ત્યારબાદ મંદિર પરિસર અને આસપાસથી લાકડાં ભેગાં કરીને બંનેને આગ ચાંપી દીધી હોવાની શક્યતા છે. આગમાં ગંભીર રીતે દાઝી જવાથી બંને વૃદ્ધોના મોત થયા હતા.

ગામલોકોના જણાવ્યા અનુસાર, સુમિત સિંહ આશરે બે મહિના પહેલાં જેલમાંથી બહાર આવ્યો હતો. તેની સામે કાર સળગાવવા અને એસસી-એસટી એક્ટ સહિતના અનેક કેસ નોંધાયેલા છે. અગાઉ પણ તેના પર આગ લગાવવાની કેટલીક ઘટનાઓમાં સામેલ હોવાના આક્ષેપ થયા હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે.

જોકે, સુમિત સામે નોંધાયેલા અગાઉના કેસો અને હાલની ઘટનામાં તેની ચોક્કસ ભૂમિકા અંગે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ થશે.

બે વૃદ્ધોને મંદિર પરિસરમાં જીવતા સળગાવી દેવાની ઘટનાથી સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. મંદિરની જમીનને લઈને ચાલી રહેલા વિવાદની સાથે ઘટનાની રાત્રે બંને વૃદ્ધો અને સુમિત વચ્ચે શું બન્યું હતું, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ હાલ ઘટનામાં સામેલ વ્યક્તિઓ, આગ લગાડવાની રીત અને જમીનના વિવાદ સાથે ઘટનાનો સીધો સંબંધ છે કે નહીં, તે અંગે માહિતી એકત્ર કરી રહી છે.