સત્ય. સાહસ. સંકલ્પ.

જયા બચ્ચને લખી હતી 'શહેનશાહ'ની વાર્તા, 1988માં બની હતી બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

જયા બચ્ચને લખી હતી 'શહેનશાહ'ની વાર્તા, 1988માં બની હતી બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ 'શહેનશાહ'ને આજે પણ ભારતીય સિનેમાની સૌથી લોકપ્રિય કલ્ટ ક્લાસિક એક્શન ફિલ્મોમાં ગણવામાં આવે છે. ટીનુ આનંદના દિગ્દર્શનમાં 1988માં રિલીઝ થયેલી આ ફિલ્મ દ્વારા રાજકારણમાંથી બ્રેક લીધા બાદ અમિતાભનું બોલિવૂડમાં ભવ્ય પુનરાગમન થયું હતું.

આ ફિલ્મની સૌથી રોચક બાબત એ છે કે તેની મૂળ વાર્તા અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચને લખી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે અભિનેત્રી અને રાજકારણી ઉપરાંત જયા બચ્ચન કુશળ સ્ક્રિપ્ટ રાઇટર પણ રહ્યા છે. તે સમયે જયા બચ્ચન ફિલ્મી દુનિયાથી ઘણાં દૂર હતાં, છતાં તેમણે અમિતાભની 'એંગ્રી યંગ મેન' અને 'મસીહા' તરીકેની ઈમેજ ધ્યાનમાં રાખીને ભારતીય સુપરહીરો જેવી વાર્તા તૈયાર કરી હતી.

ફિલ્મમાં અમિતાભે ડબલ શેડ્સ ધરાવતી ભૂમિકા ભજવી હતી. દિવસે તેઓ લાંચિયા અને બેદરકાર દેખાતા પોલીસ ઇન્સ્પેક્ટર વિજય કુમાર શ્રીવાસ્તવના રોલમાં હતા, જ્યારે રાત્રે અન્યાય સામે લડતા, માસ્ક પહેરેલા કાયદાના રક્ષક 'શહેનશાહ' તરીકે જોવા મળ્યા હતા.

ફિલ્મનો અમિતાભનો આઇકોનિક ડાયલોગ "રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં, નામ હૈ શહેનશાહ..." આજે પણ દર્શકોમાં એટલો જ લોકપ્રિય છે. તેમજ હાથમાં પહેરેલો આયર્ન હેન્ડ અને લેધર જેકેટ પણ ખૂબ પ્રખ્યાત થયા હતા.

તે જ વર્ષે આવેલી 'તેજાબ' અને 'કયામત સે કયામત તક' જેવી સુપરહિટ ફિલ્મોની સ્પર્ધા હોવા છતાં, 'શહેનશાહ' 1988ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની હતી. આશરે ₹3 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ₹6 કરોડથી વધુનો નેટ બિઝનેસ કર્યો હતો.

ફિલ્મમાં અમિતાભ ઉપરાંત મીનાક્ષી શેષાદ્રી, પ્રાણ, પ્રેમ ચોપડા, અમરીશ પુરી અને કાદર ખાન જેવા દિગ્ગજ કલાકારોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી.