બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાને ગણેશોત્સવ નિમિત્તે મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજા પંડાલમાં દર્શન કરીને ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા. તેમની સાથે પત્ની ગૌરી ખાન, પુત્રી સુહાના ખાન અને મેનેજર પૂજા દદલાણી પણ હાજર હતા.
પંડાલમાં શાહરુખને મેનેજર પૂજા દદલાણી ગણપતિના ચરણ સ્પર્શ કરવાની રીત શીખવતી જોવા મળી. ગરમીના કારણે તેમણે મેનેજરના દુપટ્ટાથી પરસેવો લૂછ્યો હતો.
દર્શન બાદ શાહરુખ ટી-સિરીઝની ઓફિસે પણ ગયા, જ્યાં તેમણે ગણેશજીની પૂજા કરી અને પ્રસાદ લીધો. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ બ્લેક ટ્રાઉઝર અને ચેક શર્ટ પહેરેલા જોવા મળે છે.
લાલબાગચા રાજા પંડાલમાં શાહરુખને જોવા માટે ભારે ભીડ ઉમટી હતી. સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. દર્શન દરમિયાન શાહરુખ વાદળી કુર્તામાં, સુહાના લીલા રંગના પરંપરાગત પરિધાનમાં અને ગૌરી પીળા રંગના એથનિક આઉટફિટમાં જોવા મળ્યાં હતાં.
તાજેતરમાં X પર યોજાયેલા 'AskSRK' સેશનમાં શાહરુખે ચાહકો સાથે ઘરના ગણેશોત્સવનો અનુભવ શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેમના ઘરે પત્ની ગૌરી આરતી અને પૂજા કરે છે, રાત્રે વિસર્જન કરવામાં આવે છે. આ દરમિયાન બાળકો અને મિત્રો ભેગા થાય છે અને પરિવાર સાથે સમય પસાર કરવાનો આ સાદો પ્રસંગ હોય છે.
અગાઉ શાહરુખ અંબાણી પરિવારના ઘર 'એન્ટિલિયા'માં આયોજિત ગણેશોત્સવમાં પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે રણવીર સાથે મળીને ગણપતિની આરતી કરી હતી. બંને કલાકારો નીતા અંબાણી સાથે પૂજા-અર્ચનામાં જોડાયા હતા.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, શાહરુખ ટૂંક સમયમાં નિર્દેશક સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તે જ સમયગાળામાં 'અવેન્જર્સ: ડૂમ્સડે' અને 'ડ્યૂન્સ: પાર્ટ થ્રી' જેવી મોટી હોલિવૂડ ફિલ્મો પણ રિલીઝ થવાની છે.