ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર શેફાલી વર્મા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ આચારસંહિતાના ભંગ બદલ કાર્યવાહી કરી છે. ICCએ તેને ઠપકો આપ્યો છે અને એક ડીમેરિટ પોઇન્ટ ફટકાર્યો છે.
આ ઘટના 18 ઑક્ટોબરે રાયપુરમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી બીજી T20 મેચ દરમિયાન બની હતી. મેચની પ્રથમ ઇનિંગ્સની 12મી ઓવરમાં શ્રી ચરણીના બોલ પર મિડ-ઑફ પર ચિપો મુગેરી-તિરિપાનોએ કેચ છોડી દીધો હતો. ત્યારબાદ શેફાલીએ ગુસ્સામાં બોલ જમીન પર ફેંકી દીધો હતો.
ICC મુજબ, શેફાલીએ ખેલાડીઓ અને પ્લેયર સપોર્ટ પર્સનલ માટેની આચારસંહિતાની કલમ 2.2નું ઉલ્લંઘન કર્યું છે. આ કલમ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ક્રિકેટના સાધનો, કપડાં, મેદાનનાં સાધનો અથવા ફિક્સ્ચરનો અયોગ્ય ઉપયોગ કરવા સંબંધિત છે.
શેફાલીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને ICC ઇન્ટરનેશનલ પેનલ ઑફ મેચ રેફરીઝની જી.એસ. લક્ષ્મી દ્વારા પ્રસ્તાવિત સજા પણ સ્વીકારી લીધી છે.
આ મેચમાં શેફાલી ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી અને તેને પ્લેયર ઑફ ધ મેચ પણ પસંદ કરવામાં આવી હતી.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી T20 આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં શેફાલી પાસે ઇતિહાસ રચવાની તક છે. જો તે 78 કે તેથી વધુ રન બનાવે છે, તો તે મહિલા T20 ઇન્ટરનેશનલમાં એક કેલેન્ડર વર્ષમાં 1,000 રન બનાવનારી વિશ્વની પ્રથમ ખેલાડી બની જશે.
શેફાલીએ 2026માં અત્યાર સુધી 26 મેચમાં 922 રન બનાવ્યા છે. તે મહિલા T20 ઇન્ટરનેશનલમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડીઓની યાદીમાં પ્રથમ સ્થાને છે. તેણે 2026માં એક સદી અને આઠ અડધી સદી ફટકારી છે. જો મંગળવારે રાયપુરમાં તે અડધી સદી ફટકારશે, તો તે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો સ્મૃતિ મંધાનાનો રેકોર્ડ પણ તોડી દેશે. સ્મૃતિએ 2024માં ભારત માટે 23 T20 ઇન્ટરનેશનલની 21 ઇનિંગ્સમાં 8 અડધી સદી ફટકારી હતી.