એશિયન ગેમ્સ 2026ની મહિલા ક્રિકેટ સેમિફાઇનલમાં ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે 20 ઓવરમાં 4 વિકેટે 195 રનનો મોટો સ્કોર બનાવ્યો છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી ઓપનર શેફાલી વર્માએ માત્ર 49 બોલમાં અણનમ 100 રન ફટકાર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 9 છગ્ગા સામેલ હતા. તેનો સ્ટ્રાઇક રેટ 204.08 રહ્યો હતો.
ભારતને શરૂઆતમાં જ સારી ભાગીદારી મળી હતી. શેફાલી અને સ્મૃતિ મંધાનાએ પ્રથમ વિકેટ માટે 72 રન જોડ્યા હતા. સ્મૃતિએ 37 રન બનાવ્યા બાદ પેવેલિયન ભેગા થયા હતા, અને ત્યારબાદ બીજી વિકેટ પણ વહેલી પડી ગઈ હતી.
આ સ્થિતિમાં શેફાલીએ કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે મળીને ઇનિંગ સંભાળી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 55 બોલમાં 94 રનની ભાગીદારી થઈ હતી, જેમાં હરમનપ્રીતે 40 રનનું યોગદાન આપ્યું હતું.
આ જ કેલેન્ડર વર્ષમાં મહિલા T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં શેફાલી વર્મા 815 રન સાથે બીજા સ્થાને છે. પ્રથમ સ્થાને દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ટ (824 રન) છે, જ્યારે હોંગકોંગની નતાશા માઇલ્સ 800 રન સાથે ત્રીજા સ્થાને છે.