ટીવી અને ફિલ્મોમાં શબ્બીર અહલૂવાલિયા પોતાની રોમેન્ટિક, મર્દાનગીભરી અને રોકસ્ટાર છબી માટે જાણીતા છે. તેમની પત્ની કાંચી કૌલ પોતાની સુંદરતા અને બેફામ અંદાજ માટે જાણીતી છે. બંને લગભગ 18 વર્ષથી સાથે છે અને હવે કલર્સના શો ‘ધમાલ વિથ પતિ, પત્ની ઔર પંગા સીઝન 2’માં સ્પર્ધકો છે. શોમાં દર્શકોને તેમની નોકઝોક, મસ્તી અને સાથે વિતાવેલી પળોની ઝલક જોવા મળશે.
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં શબ્બીર અને કાંચીએ કહ્યું કે તેઓ આદર્શ કપલ કહેવાવાને બદલે પોતાની સાચી કેમેસ્ટ્રી બતાવવા માગે છે. તેમણે એકબીજાના ગુણો, પહેલી મુલાકાત, રોમાન્સ કરવાની શૈલી અને શો સાથે જોડાયેલા મજેદાર કિસ્સાઓ વિશે પણ વાત કરી.
શબ્બીર અહલૂવાલિયા અને કાંચી કૌલ ‘ધમાલ વિથ પતિ, પત્ની ઔર પંગા સીઝન 2’માં સ્પર્ધકો છે.
સવાલ: શબ્બીર ભાઈ પડદા પર પોતાની રોમેન્ટિક, મૅચો અને રોકસ્ટાર છબી માટે જાણીતા છે. શું વાસ્તવિક જીવનમાં પણ તેઓ એટલા જ હીરો છે? કાંચી, તમારા માટે ઘરના અસલી હીરો કોણ છે?
જવાબ/કાંચી: વાસ્તવિક જીવનમાં પણ શબ્બીર એવા જ છે. મારા માટે તેઓ હંમેશાં એવરગ્રીન રોકસ્ટાર રહેશે. બહારથી જેટલા મૅચો દેખાય છે, અંદરથી એટલા જ નરમ અને ભાવુક છે. તેમનું હૃદય ખૂબ જ કોમળ છે. લાગણીઓ વ્યક્ત કરવાની તેમની રીત અલગ છે, પરંતુ તેઓ ખૂબ જ લાગણીશીલ છે. તેઓ જીવન પણ રોકસ્ટારની જેમ જીવે છે.
સવાલ: અમે હંમેશાં તમને બંનેને આદર્શ કપલ તરીકે જોયા છે. 'પતિ, પત્ની ઔર પંગા'માં ઘણી મસ્તી અને નોકઝોક થાય છે. તમે આ શોનો ભાગ બનવા માટે કેવી રીતે તૈયાર થયા?
જવાબ/શબ્બીર: અમને આદર્શ કપલ બનવું પસંદ નથી. અમે ઇચ્છીએ છીએ કે લોકો અમને અનઆદર્શ કપલ તરીકે જુએ.
કાંચી: અમને લાગ્યું કે દર્શકોએ અત્યાર સુધી અમારા જીવનનું આ પાસું જોયું નથી. હું પણ ઘણા સમય બાદ પડદા પર નજર આવી રહી છું. અમે પહેલાં ક્યારેય સાથે કામ કર્યું નહોતું. અમે વિચાર્યું કે અમારી વાસ્તવિક કેમેસ્ટ્રી અને રોજિંદી નોકઝોક દર્શકો સાથે શેર કરવાની આ સારી તક છે. અમે અમારા મસ્તીભર્યા જીવનની કેટલીક ઝલક પણ બતાવવા માગતા હતા.
સવાલ: શબ્બીર, તમે બંનેને આ શોમાં સાથે આવવાનો નિર્ણય કેવી રીતે યોગ્ય લાગ્યો?
જવાબ/શબ્બીર: અમે શોની પહેલી સીઝન જોઈ હતી અને અમને ખૂબ મજા આવી હતી. બધા કપલ્સ આ શોને ખૂબ માણી રહ્યા હતા. અમે 18 વર્ષથી સાથે છીએ, પરંતુ ક્યારેય કોઈ શોમાં સાથે કામ કર્યું નહોતું. તેથી અમને લાગ્યું કે આ એક સારી તક છે.
આ મજેદાર શો વિવાદોને બદલે કપલ્સ અને તેમના સંબંધો પર ધ્યાન આપે છે. આ સારી વાત છે. આ સ્વચ્છ મનોરંજન છે, જેને આખો પરિવાર સાથે બેસીને જોઈ શકે છે. દર્શકોને ખાતરી રહેશે કે તેમાં કંઈ ખોટું બતાવવામાં નહીં આવે.
કાંચી: દરેક લગ્ન અને સંબંધ અલગ હોય છે. શોમાં તમામ કપલ્સની પોતાની વાર્તા છે. દર્શકો કોઈને કોઈ કપલ અથવા તેના સંબંધ સાથે જોડાયેલી ઘટનામાં પોતાને જોઈ શકશે. વિવાહિત જીવનની નાની-નાની વાતો જ શોને મજેદાર બનાવે છે.
સવાલ: શોના શૂટિંગ દરમિયાન કોઈ એવો મજેદાર પ્રસંગ બન્યો, જેમાંથી તમને એકબીજા વિશે કંઈક નવું જાણવા મળ્યું હોય?
જવાબ/શબ્બીર: મજેદાર પ્રસંગો ઘણા બન્યા છે. ઘણી વાર અમે એ ઘટનાઓનો હિસ્સો બનવાને બદલે ત્યાં ચાલી રહેલી હસી-મજાકનો આનંદ માણી રહ્યા હતા. અમે તેમના વિશે વધારે જણાવી શકતા નથી, કારણ કે તે શોના ખાસ ભાગો અને એપિસોડના હાઇલાઇટ્સ છે.
કાંચી: બિલકુલ, આવા ઘણા પ્રસંગો બન્યા છે. આ જ કારણ છે કે દર્શકોએ આ શો જોવો જોઈએ. જો અમે અત્યારે બધા મજેદાર પ્રસંગો જણાવી દઈએ, તો જોવા માટે શું બાકી રહે!
શબ્બીર અહલૂવાલિયા અને કાંચી કૌલે જણાવ્યું ‘ધમાલ વિથ પતિ, પત્ની ઔર પંગા સીઝન 2’ની ખાસિયત.
સવાલ: તમારા માટે તો તમે બંને જ સૌથી શ્રેષ્ઠ કપલ છો, પરંતુ શોમાં તમારા સિવાય કયું કપલ સૌથી રસપ્રદ લાગ્યું?
જવાબ/કાંચી: બધાં કપલ્સ રસપ્રદ છે અને એકબીજાથી ઘણાં અલગ છે. તેમની નોકઝોક, વર્તન અને લગ્નજીવન જીવવાની રીત પણ અલગ છે. આ જ વિવિધતા શોને ખાસ બનાવે છે.
શબ્બીર: ઘણી વાર શૂટિંગ દરમિયાન શોનો હિસ્સો હોવા છતાં અમે દર્શક બની જઈએ છીએ. બીજા કપલ્સની નોકઝોકનો આનંદ માણવા લાગીએ છીએ. ત્યારે લાગે છે કે શો સારો બની રહ્યો છે અને દર્શકોને પણ તેને જોવામાં મજા આવશે. જ્યારે અમને શૂટિંગમાં એટલી મજા આવે છે, તો ઘરે બેસીને જોનારા દર્શકો પણ તેને એન્જોય કરશે.
સવાલ: પહેલી વાર એકબીજાને જોઈને શું ઇમ્પ્રેશન બન્યું હતું?
જવાબ/શબ્બીર: મારું પહેલું ઇમ્પ્રેશન જબરદસ્ત હતું. કાંચીને પહેલી વાર જોઈને મારા મોઢામાંથી નીકળ્યું, 'ઓહ માય ગૉડ! આ કેટલી સુંદર છે!' ધીમે-ધીમે જાણવા મળ્યું કે તેઓ સુંદર હોવાની સાથે સમજદાર પણ છે. મારા માટે આ તો સોનામાં સુગંધ ભળવા જેવું હતું.