દેશમાં પેપાલ, ઓરેકલ અને ફોક્સવેગન જેવી મોટી કંપનીઓમાં છટણીના સમાચાર વચ્ચે કર્મચારીઓને મળતા સેવરન્સ પેકેજ પર ટેક્સના નિયમો ચર્ચામાં આવ્યા છે. નોકરી ગયા પછી કંપની તરફથી મળતી આ રકમ પર ટેક્સ લાગે છે કે નહીં, તે અંગે મૂંઝવણ છે.
ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, નોકરી સમાપ્ત થવા પર અથવા રોજગારની શરતોમાં ફેરફારના બદલામાં કંપની દ્વારા ચૂકવાતી રકમને સામાન્ય રીતે 'પ્રોફિટ્સ ઇન લ્યુ ઓફ સેલરી' ગણવામાં આવે છે. આવી રકમ પર 'સેલરી' હેડ હેઠળ ટેક્સ લાગે છે અને કર્મચારીના લાગુ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ભરવો પડે છે. જોકે, દરેક પ્રકારના સેવરન્સ પે પર એકસરખો ટેક્સ લાગતો નથી.
કેટલાક કિસ્સાઓમાં ટેક્સ છૂટ મળી શકે છે. સેક્શન 10(10B) હેઠળ, જો કોઈ કર્મચારી સંબંધિત લેબર લો હેઠળ પાત્ર 'વર્કમેન' હોય અને તેને રિટ્રેન્ચમેન્ટ કમ્પેન્સેશન મળે, તો નિર્ધારિત શરતોને આધીન કરમુક્તિ મેળવી શકાય છે. સેક્શન 10(10C) હેઠળ, સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) અથવા VSS હેઠળ મળતી રકમ પર મહત્તમ ₹5 લાખ સુધીની ટેક્સ મુક્તિ મળી શકે છે. આ મર્યાદાથી વધુ રકમ ટેક્સના દાયરામાં આવે છે.
આ સિવાય, નોકરી સમાપ્તિ સંબંધિત અન્ય ચૂકવણી જે પગારના દાયરામાં નથી આવતી, તેને 'ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ' હેઠળ વર્ગીકૃત કરી ટેક્સ વસૂલવામાં આવી શકે છે.
ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરતી વખતે સેવરન્સ પેની રકમ કેવી રીતે દર્શાવવી તે પણ મહત્વપૂર્ણ છે. કંપની છોડ્યા બાદ ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ (FNF) અને ફોર્મ 16 મેળવવું જરૂરી છે. ફોર્મ 16માં જુઓ કે કંપનીએ સેવરન્સ પેને કઈ રીતે દર્શાવ્યો છે. જે ભાગ ટેક્સપાત્ર છે, તેને સામાન્ય રીતે ITRમાં 'ઇન્કમ ફ્રોમ સેલરી' હેઠળ દર્શાવવો પડે છે. જો કોઈ રકમ પર કાયદેસર છૂટ મળવાપાત્ર હોય, તો તેને સંબંધિત કલમ હેઠળ અલગથી ક્લેમ કરી શકાય છે. કર્મચારીઓએ પોતાની રકમ અને કપાયેલા TDSનું ફોર્મ 26AS, AIS અને PAN સાથે ચોક્કસ મિલાન કરી લેવું જોઈએ.
FNF સ્ટેટમેન્ટમાં દરેક રકમ પર અલગ નિયમ લાગુ પડે છે. પગારનું એરિયર્સ સામાન્ય રીતે પગારની આવકનો ભાગ બને છે અને કેટલાક કિસ્સાઓમાં તેના પર કર રાહત મળી શકે છે. ગ્રેચ્યુઇટી પર નિયત શરતો અને મર્યાદા હેઠળ ટેક્સ મુક્તિ મળવાપાત્ર છે. જો એકસાથે મોટી રકમ મળવાથી ટેક્સ સ્લેબ વધી ગયો હોય, તો સેક્શન 89 હેઠળ ટેક્સ રિલીફ ક્લેમ કરી શકાય છે. આ રાહત મેળવવા માટે રિટર્ન ભરતાં પહેલાં ઓનલાઇન ફોર્મ 10E (નવું ફોર્મ 39) સબમિટ કરવું ફરજિયાત છે.
તેથી, FNF સ્ટેટમેન્ટ પર માત્ર 'ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ' લખેલું જોઈને સીધો નિર્ણય ન લેવો. તેમાં દર્શાવેલા દરેક પેમેન્ટ હેડની અલગ-અલગ ચકાસણી કરવી જરૂરી છે, જેના આધારે જ વાસ્તવિક ટેક્સની ગણતરી શક્ય બનશે.