સર્બિયામાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં મોટો રાજકીય બદલાવ આવ્યો છે. છેલ્લા 12 વર્ષથી સત્તા પર રહેલા એલેક્ઝાન્ડર વુસિકે પોતાની હાર સ્વીકારી લીધી છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય નાગરિકોના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલને આ પરિવર્તન લાવ્યું છે.
નોવી સાદ યુનિવર્સિટીના પ્રોફેસર ઈલિજા સર્ડાનોવિક આ આંદોલનના મુખ્ય ચહેરા બન્યા. તેમના નેતૃત્વમાં વિપક્ષી મોરચાએ શાસક પક્ષને સત્તા પરથી હટાવવામાં સફળતા મેળવી છે. વર્ષ 2012માં વુસિકની સર્બિયન પ્રોગ્રેસિવ પાર્ટી સત્તામાં આવી ત્યારથી અત્યાર સુધીનો આ સૌથી મોટો પડકાર સાબિત થયો છે.
નોવી સાદ શહેરમાં રેલવે સ્ટેશનની છત ધરાશાયી થતાં 16 લોકોના મોત થયા બાદ સમગ્ર દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનઆક્રોશ ભડક્યો હતો. વિદ્યાર્થીઓની આગેવાની હેઠળ દેશભરની યુનિવર્સિટીઓ દ્વારા ચૂંટણી લડવા માટે 250 બિન-રાજકીય ઉમેદવારોની 'સ્ટુડન્ટ લિસ્ટ' તૈયાર કરવામાં આવી હતી, જેમાં પ્રોફેસર સર્ડાનોવિકને મુખ્ય ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.
આ યાદીમાં પરંપરાગત રાજકારણીઓને બદલે શિક્ષણશાસ્ત્રીઓ, રમતવીરો, અર્થશાસ્ત્રીઓ અને એન્જિનિયરો જેવા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને ટિકિટ આપવામાં આવી હતી. પ્રોફેસર સર્ડાનોવિકે જણાવ્યું કે અમારો હેતુ નાગરિકોને સભ્ય સમાજના મૂલ્યો પાછા આપવાનો છે, જે અગાઉની સરકારે છીનવી લીધા હતા. જોકે ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન પદ માટે કોણ પસંદ થશે તે અંગે હજુ સુધી અંતિમ નિર્ણય લેવાયો નથી.
ચૂંટણી પરિણામોના સંકેતો મુજબ વિદ્યાર્થી સમર્થિત ઉમેદવારોની યાદીને 135થી 140 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે વુસિકના પક્ષને માત્ર 105 બેઠકો મળતી જણાય છે. બેલગ્રેડ ખાતે પક્ષના મુખ્ય મથકે સમર્થકોને સંબોધતા વુસિકે પોતે જ સ્પષ્ટ કર્યું કે સેમ્પલ પરિણામોના આધારે તેઓ આ ચૂંટણી હારી ચૂક્યા છે.
વુસિક સરકારના પતન અને 12 વર્ષના શાસનના અંતની જાહેરાત થતાં જ રાજધાની બેલગ્રેડ સહિતના શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉજવણી શરૂ થઈ ગઈ હતી. સર્બિયામાં વિદ્યાર્થીઓ અને યુવા આંદોલનની આ ઐતિહાસિક સફળતાની અસર સમગ્ર યુરોપના અન્ય દેશોમાં ચાલી રહેલા યુવા વિરોધ પ્રદર્શનો પર પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળશે.