સત્ય. સાહસ. સંકલ્પ.

સેન્સેક્સ 1,109 અંક ચઢી 73,033 પર બંધ, રોકાણકારોને 4.12 લાખ કરોડની કમાણી

સેન્સેક્સ 1,109 અંક ચઢી 73,033 પર બંધ, રોકાણકારોને 4.12 લાખ કરોડની કમાણી

મંગળવારે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણના લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) અંગેના નિવેદન, IT ક્ષેત્રના શેરોમાં ઉછાળો અને ડોલર સામે રૂપિયાની મજબૂતીએ રોકાણકારોનો ઉત્સાહ વધાર્યો હતો. દિવસના અંતે BSE સેન્સેક્સ 1,109 પોઈન્ટ (1.54%) વધીને 73,033.78 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી50 પણ 359 પોઈન્ટ (1.60%) વધીને 22,721.95ની સપાટીએ પહોંચ્યો હતો.

શેરબજારમાં આવેલી આ તેજીને કારણે લિસ્ટેડ કંપનીઓની કુલ સંપત્તિમાં રૂ. 4.12 લાખ કરોડથી વધુનો વધારો થયો હતો, જેનાથી રોકાણકારોની એકંદર સંપત્તિ વધીને રૂ. 470 લાખ કરોડના સ્તરે પહોંચી ગઈ છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બ્લૂમબર્ગ ન્યૂ ઈકોનોમી ફોરમના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, દેશ-વિદેશના રોકાણકારો સાથે LTCG ટેક્સ અને STT મુદ્દે ચર્ચા ચાલી રહી છે. બજેટની તૈયારીઓ શરૂ થઈ ચૂકી હોવાથી તેમણે ટેક્સમાં કોઈ ફેરફાર અંગે સ્પષ્ટ વચન આપવાનું ટાળ્યું હતું, પરંતુ આ મુદ્દાઓ પર સરકારનું ધ્યાન હોવાના સંકેત આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં SBI રિસર્ચના રિપોર્ટમાં પણ શેરબજારમાં રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટે LTCG ટેક્સ નાબૂદ કરવાની ભલામણ કરવામાં આવી હતી.

આ તેજીમાં IT ક્ષેત્રની કંપનીઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. બીજા ત્રિમાસિક ગાળાના સારા પરિણામો બાદ HCL ટેકના શેરમાં 5%થી વધુનો ઉછાળો આવ્યો હતો, જ્યારે TCSનો શેર પણ 5% જેટલો વધ્યો હતો. આ ઉપરાંત Tech Mahindra અને Infosysના શેરમાં પણ 3-3%નો વધારો નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સાથે જોડાયેલા શેરોમાં કડાકો બોલવાને કારણે વિદેશી રોકાણકારોનું ધ્યાન ભારતીય IT કંપનીઓ તરફ ફરી વળ્યું છે, જેનો સીધો ફાયદો આ શેરોને મળ્યો છે.

રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા લેવાયેલા વિશેષ પગલાં બાદ અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 82 પૈસા મજબૂત થઈને 94.96ના સ્તરે પહોંચ્યો હતો. આ ઉપરાંત અમેરિકન બોન્ડ યીલ્ડ 5.2%થી નીચે આવતા શેરબજારને રાહત મળી હતી. બોન્ડ યીલ્ડ ઘટવાથી સામાન્ય રીતે શેરબજાર તરફ રોકાણનો પ્રવાહ વધતો હોય છે, જેણે આ તેજીને વધુ વેગ આપ્યો હતો.

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. બ્રિટેનનું બ્રિન્ટ ક્રૂડ 1%થી વધુ ઘટીને પ્રતિ બેરલ $105ની નજીક પહોંચ્યું હતું, જ્યારે યુએસ WTI ક્રૂડ પણ ઘટીને $93ની નીચે આવી ગયું હતું. ક્રૂડ ઓઇલ સસ્તું થવાથી ભારતીય અર્થતંત્ર અને શેરબજાર માટે સકારાત્મક માહોલ તૈયાર થયો હતો.