શેરબજારમાં આજે એટલે કે 15 ઓક્ટોબરે તેજી જોવા મળી છે. સેન્સેક્સ 1100 પોઈન્ટ અથવા 1.50% વધીને 73,850 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 300 પોઈન્ટ અથવા 1.40% વધીને 22,900ની પાર પહોંચી ગયો છે.
આજના કારોબારમાં IT અને FMCG શેરોમાં ખરીદી જોવા મળી છે, જ્યારે સરકારી બેંકોમાં વેચવાલી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં તેજી નોંધાઈ છે.
શેરબજારમાં આ તેજીનું મુખ્ય કારણ સસ્તું થયેલું ક્રુડ ઓઈલ માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં WTI ક્રૂડ 1.05% ઘટીને 94 ડૉલર અને બ્રેન્ટ ક્રૂડ 1.63% ઘટીને 104 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. ક્રુડ ઓઈલ સસ્તું થવાથી ભારતનું આયાત બિલ ઘટશે અને અર્થતંત્રને રાહત મળશે.
જ્યારે ભારતીય બજારમાં તેજી છે, ત્યારે એશિયાના અન્ય બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. દક્ષિણ કોરિયાનું કોસ્પી 7.79% તૂટીને 5,527 પર, જાપાનનું નિક્કેઈ 4.81% ઘટીને 64,489 પર અને હોંગકોંગનું હેંગસેંગ 1.21% ઘટીને 24,009 પર બંધ થયું છે.
અમેરિકન બજારમાં 14 ઓક્ટોબરે ઘટાડો રહ્યો હતો. ડાઉ જોન્સ 0.09% ઘટીને 51,621 પર, નૈસ્ડેક 1.88% ઘટીને 26,693 પર અને S&P 500 1.11% ઘટીને 7,719 પર બંધ થયો હતો.
વિદેશી રોકાણકારો (FIIs) એ શેરબજારમાંથી છેલ્લા 7 દિવસમાં 8,440 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. છેલ્લા 30 દિવસમાં તેમણે 86,263 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ છેલ્લા 7 દિવસમાં 12,898 કરોડ રૂપિયા અને છેલ્લા 30 દિવસમાં 96,867 કરોડ રૂપિયાની ખરીદી કરી છે.