સત્ય. સાહસ. સંકલ્પ.

રેટિંગ એજન્સીઓના સકારાત્મક અનુમાન છતાં શેરબજાર અઢી મહિનાના તળિયે, રૂ. 2.65 લાખ કરોડનું ધોવાણ

રેટિંગ એજન્સીઓના સકારાત્મક અનુમાન છતાં શેરબજાર અઢી મહિનાના તળિયે, રૂ. 2.65 લાખ કરોડનું ધોવાણ

મુંબઈ: વૈશ્વિક રેટિંગ એજન્સીઓએ ભારતીય અર્થતંત્ર અંગે સકારાત્મક અનુમાન વ્યક્ત કર્યું હોવા છતાં, ગુરુવારે દેશના શેરબજારે અઢી મહિનાની સૌથી નબળી કામગીરી નોંધાવી હતી. ક્રૂડ તેલના ભાવમાં ફરી ઉછાળો, અમેરિકાના બેન્ચમાર્ક ટ્રેઝરી યીલ્ડ 2007 પછીની સૌથી ઊંચી સપાટીએ પહોંચવું, રોકાણકારો દ્વારા નફો વેચવો (પ્રોફિટ બુકિંગ) અને રૂપિયામાં આવેલી નબળાઈ — આ કારણોસર ભારતીય શેરબજારમાં જોરદાર વેચવાલી થઈ હતી.

નાણાકીય ક્ષેત્રના શેરોની આગેવાનીમાં બેન્ચમાર્ક સેન્સેક્સ દિવસ દરમિયાન નીચામાં 73,563.92 અને ઉપરમાં 74,362.29 વચ્ચે અથડાયો હતો. છેવટે તે 1,247.71 પોઈન્ટ તૂટીને 73,580.54 પર બંધ રહ્યો. નિફટી50 ઈન્ડેક્સ ઉપરમાં 23,281.95 અને નીચામાં 23,046 વચ્ચે રમ્યો અને 383.70 પોઈન્ટ ગબડીને 23,063.10 પર બંધ રહ્યો.

બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની એકંદર માર્કેટ કેપ રૂ. 2.65 લાખ કરોડ ઘટીને રૂ. 480.89 લાખ કરોડ થઈ ગઈ હતી. બજારની ચાલ નકારાત્મક રહી હતી — 1,362 શેરોના ભાવ વધ્યા, જ્યારે 3,013 શેરોના ભાવ ઘટ્યા અને 209 શેરોના ભાવમાં કોઈ ફેરફાર ન થયો.

વીમા નિયામક ઈરડાઈ (ઈન્સ્યૂરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા વિતરકો અને વીમા કંપનીઓના ખર્ચ તથા કમિશન ચૂકવણી અંગેના ધોરણો સખત બનાવવાની દરખાસ્તને પગલે વીમા અને નાણાકીય ક્ષેત્રની કંપનીઓના શેરો પર દબાણ આવ્યું હતું. એલઆઈસી રૂ. 1.50 ઘટીને રૂ. 406, એસબીઆઈ લાઈફ ઈન્સ્યૂરન્સ રૂ. 5.00 ઘટીને રૂ. 1,755, એચડીએફસી લાઈફ રૂ. 34.60 ઘટીને રૂ. 526.90 અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિઅલ રૂ. 20.00 ઘટીને રૂ. 464.50 પર બંધ રહ્યા હતા. જનરલ ઈન્સ્યૂરન્સ રૂ. 4.90 ઘટીને રૂ. 339.25 પર બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલના ભાવમાં ફરી વધારો થતાં ઓઈલ એન્ડ ગેસ કંપનીઓના શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી.

ફુગાવાને કાબૂમાં રાખવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) વ્યાજ દરમાં વધારો કરશે તેવી ચિંતા અને ક્રૂડના વધતા ભાવને કારણે ઓટો કંપનીઓના શેરોમાં વેચવાલી આવી હતી. અશોક લેલેન્ડ રૂ. 5.59 ઘટીને રૂ. 157.30, ટીએમપીવી રૂ. 5.50 ઘટીને રૂ. 295.00, હીરો મોટોકોર્પ રૂ. 98.00 ઘટીને રૂ. 5,296.00, ટીવીએસ મોટર રૂ. 44.00 ઘટીને રૂ. 4,091.00 અને મધરસન રૂ. 1.90 ઘટીને રૂ. 162.50 પર બંધ રહ્યો હતો. તહેવારોની મોસમમાં વ્યાજ દર વધે તો વાહનોની માગ પર અસર પડી શકે છે.

ઓક્ટોબરથી શરૂ થતી બીજા ત્રિમાસિક પરિણામોની મોસમ પહેલા ઈન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી) કંપનીઓના મેનેજમેન્ટ તરફથી સાવચેતીના સૂર સંભળાતાં આઈટી શેરોમાં આકર્ષણ ઘટ્યું હતું અને ઊંચા ભાવે નફો વેચાયો હતો. એચસીએલ ટેક રૂ. 13.10 ઘટીને રૂ. 1,243.60, ટેક મહિન્દ્રા રૂ. 14.00 ઘટીને રૂ. 1,543.00, વિપ્રો રૂ. 1.26 ઘટીને રૂ. 163.64, ઈન્ફોસિસ રૂ. 6.00 ઘટીને રૂ. 1,014.50 અને ટીસીએસ રૂ. 2.60 ઘટીને રૂ. 2,087.00 પર બંધ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે એસએન્ડપી, ફીચ, ઓઈસીડી અને એડીબી જેવી રેટિંગ એજન્સીઓએ બુધવારે ભારતના આર્થિક વૃદ્ધિ દર અંગે સકારાત્મક અનુમાન આપ્યું હતું. બહુચર્ચિત એનએસઈનો શેર તેના ઈશ્યુ ભાવથી એક ટકા કરતાં પણ નીચા ભાવે લિસ્ટ થયો હતો, પરંતુ ત્યારબાદ સંસ્થાકીય રોકાણકારોની ખરીદીથી તે રૂ. 33ના સુધારા સાથે રૂ. 1,818 પર બંધ આવ્યો હતો.