તહેવારોની સિઝનમાં પણ શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલીના કારણે મોટો કડાકો બોલાયો. વૈશ્વિક બજારોના નબળા સંકેતો અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે રોકાણકારોમાં ચિંતા વ્યાપી છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ અગાઉના બંધ ભાવ 73,123.83 સામે 72,990.04 પર ખુલ્યો હતો. બજાર શરૂ થતાં જ વેચવાલીનું જોર વધતાં સેન્સેક્સમાં મોટો ઘટાડો નોંધાયો અને સમાચાર લખાય ત્યાં સુધીમાં તે 72,708.16ની આસપાસ કારોબાર કરી રહ્યો હતો. ઇન્ટ્રા-ડે દરમિયાન સેન્સેક્સમાં 609 પોઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
તે જ પ્રમાણે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી 50 ઇન્ડેક્સ અગાઉના બંધ ભાવ 22,600.00ની સરખામણીએ ઘટીને 22,524.40 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં જ નિફ્ટીમાં પણ જોરદાર ઘટાડો નોંધાતાં તે 22,466.35ના સ્તરે પહોંચ્યો હતો, જેમાં આજના સત્ર દરમિયાન 213 પોઈન્ટ સુધીનો કડાકો બોલાયો હતો.
બજારમાં આવેલા આ ઘટાડા પાછળ વૈશ્વિક પરિબળો મુખ્ય જવાબદાર છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને સાઉદી અરેબિયા પરના હુમલાઓને કારણે ક્રૂડ ઓઈલના ભાવ છેલ્લા છ મહિનાની ઊંચી સપાટી આસપાસ રહ્યા છે. આજે ક્રૂડ ઓઈલની કિંમત 109 ડૉલરની આસપાસ નોંધાઈ છે. ક્રૂડ ઓઈલ મોંઘું થવાથી દેશમાં મોંઘવારી વધવાનો ડર સતાવી રહ્યો છે, જેના પગલે સેન્ટ્રલ બેંકો દ્વારા મોનિટરી ટાઈટનિંગ (monetary tightening) અને વ્યાજદર સંબંધિત કડક પગલાં લેવાની આશંકાએ રોકાણકારોએ મોટાપાયે પ્રોફિટ બુકિંગ અને વેચવાલી કરી હતી. પરિણામે બજારમાં મંદીનું જોર જોવા મળ્યું છે.