સત્ય. સાહસ. સંકલ્પ.

શેરબજારમાં ભારે ઘટાડો: સેન્સેક્સ 900 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 280 પોઈન્ટ તૂટ્યો

શેરબજારમાં ભારે ઘટાડો: સેન્સેક્સ 900 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 280 પોઈન્ટ તૂટ્યો

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ ગગડીને 72,981 પર અને નિફ્ટી 280 પોઈન્ટ ઘટીને 22,855 પર બંધ થયો હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ શુક્રવારના બંધ સ્તર 73,895 સામે 73,734 પર ખુલ્યો હતો, પરંતુ થોડી જ વારમાં 900થી વધુ પોઈન્ટ ગગડીને 72,981 પર આવી ગયો હતો. તે જ પ્રકારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ગત બંધ 23,140 સામે 23,065 પર ખુલ્યો હતો અને 23,000ના મહત્વપૂર્ણ સ્તરથી નીચે ગગડીને 22,855 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આ ઘટાડાના કારણે લાર્જ કેપથી લઈને સ્મોલકેપ સુધીના તમામ શેરો લાલ નિશાનમાં બંધ થયા હતા. BSEના લાર્જ કેપ સેગમેન્ટના તમામ 30 શેરો રેડ ઝોનમાં હતા. ખાસ કરીને HDFC Bank (1.90%), Kotak Bank (1.80%), SBI (1.60%), HUL (1.58%), Trent (1.56%), Bajaj Finance (1.40%), Reliance (1.35%) અને ICICI Bank (1.34%)ના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. બેંકિંગ ઇન્ડેક્સ (BSE Bankex) 1.60% અને IT ઇન્ડેક્સ 1.10% ગગડ્યા હતા.

બજારમાં આ ઘટાડા પાછળ આંતરરાષ્ટ્રીય પરિબળો મુખ્ય જવાબદાર છે. અમેરિકા-ઈરાન શાંતિ વાર્તામાં ગતિરોધ યથાવત્ છે અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની પ્રસ્તાવ ફગાવી દેતાં ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી આવી છે. આ ઉપરાંત, વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) દ્વારા સતત કરવામાં આવી રહેલી જંગી વેચવાલી (શુક્રવારે રૂ. 3,600 કરોડથી વધુનું વેચાણ)ને કારણે પણ બજારનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.