સત્ય. સાહસ. સંકલ્પ.

શેરબજારમાં ફરી ઘટાડો: સેન્સેક્સ 876 પોઈન્ટ તૂટ્યો, રૂ. 5 લાખ કરોડનું નુકસાન

શેરબજારમાં ફરી ઘટાડો: સેન્સેક્સ 876 પોઈન્ટ તૂટ્યો, રૂ. 5 લાખ કરોડનું નુકસાન

ગયા અઠવાડિયે શેરબજારમાં આવેલી તેજી પછી સોમવારે (19 ઓક્ટોબર) ફરી વેચવાલી જોવા મળી. બેન્કિંગ શેરોમાં ભારે ઘટાડો અને ક્રૂડ ઓઇલના વધતા ભાવે રોકાણકારોની ચિંતા વધારી છે.

દિવસ દરમિયાન બપોરે 2:30 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 1,000 પોઈન્ટ અને નિફ્ટી 295 પોઈન્ટ તૂટ્યા હતા. બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ 876 પોઈન્ટ ઘટીને અને નિફ્ટી 257 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો. આ સાથે બે દિવસની તેજી અટકી ગઈ.

ઘટાડો માત્ર મોટી કંપનીઓ પૂરતો નહોતો. નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 પણ ઘટ્યા હતા. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ શુક્રવારના રૂ. 4,72,62,167 કરોડથી ઘટીને સોમવારે રૂ. 4,67,46,191 કરોડ થયું, એટલે રોકાણકારોને રૂ. 5 લાખ કરોડથી વધુનું નુકસાન થયું.

આ ઘટાડા પાછળ ચાર મુખ્ય કારણો જવાબદાર છે:

1. બેન્ક શેરોમાં વેચવાલી: HDFC બેંકના ત્રિમાસિક પરિણામોમાં નફો ઓછો રહેવા અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પર દબાણને કારણે બેંકિંગ ક્ષેત્રના શેરોમાં ઘટાડો થયો.

2. વૈશ્વિક બજારોમાં નબળાઈ: અમેરિકા અને એશિયાના બજારોમાં ભારે ઘટાડો થયો, ખાસ કરીને ટેક્નોલોજી (AI) કંપનીઓમાં વેચવાલી જોવા મળી. તેની અસર ભારતીય બજાર પર પણ પડી.

3. ક્રૂડ ઓઇલના વધતા ભાવ: વૈશ્વિક તણાવને કારણે કાચા તેલનો ભાવ પ્રતિ બેરલ 108 ડોલરથી ઉપર રહ્યો છે. ભારતમાં ઓઇલ મોંઘું થવાથી મોંઘવારી અને કંપનીઓના ખર્ચમાં વધારો થવાની ચિંતા છે.

4. બજારમાં ભયનું વાતાવરણ: જોખમ માપતો 'ઇન્ડિયા વિકસ' ઇન્ડેક્સ લગભગ 4% વધ્યો, એટલે રોકાણકારોમાં અનિશ્ચિતતા વધી છે અને લોકો ખરીદીથી દૂર રહી રહ્યા છે.

એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો: કોસ્પી 0.52% વધ્યો, નિક્કેઈ 1.21% ઘટ્યો અને હેંગસેંગ 0.52% વધ્યો. અમેરિકન બજારમાં 16 ઓક્ટોબરે ડાઉ જોન્સ 0.34%, નાસ્ડેક 2.14% અને S&P 500 1.09% ઘટ્યા હતા.

વિદેશી રોકાણકારો (FIIs)એ છેલ્લા 7 દિવસમાં રૂ. 7 હજાર કરોડના શેર વેચ્યા છે, જ્યારે સ્થાનિક રોકાણકારો (DIIs)એ રૂ. 3,661 કરોડની ખરીદી કરી છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે (16 ઓક્ટોબર) સેન્સેક્સ 413 પોઈન્ટ વધીને 74,729 અને નિફ્ટી 148 પોઈન્ટ વધીને 23,146 પર બંધ થયા હતા.