વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીના યશોભૂમિ સેન્ટરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2026’ની પાંચમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આ ત્રણ દિવસીય કાર્યક્રમ 17થી 19 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે.
ઉદ્ઘાટન પ્રસંગે દેશ-વિદેશના અગ્રણીઓ, નીતિ ઘડવૈયાઓ, રોકાણકારો અને નિષ્ણાતોને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું કે ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. વૈશ્વિક ચિપ ડિઝાઇન અને ઉત્પાદન ક્ષેત્રે ભારત એક મજબૂત શક્તિ તરીકે ઉભરી રહ્યું છે.
આ વર્ષની પરિષદની થીમ ‘સિલિકોન ટુ સિસ્ટમ્સ: બિલ્ડીંગ ધ ઇકોસિસ્ટમ’ રાખવામાં આવી છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ભારતીય અને વૈશ્વિક કંપનીઓ, સ્ટાર્ટ-અપ્સ, સંશોધકો, શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓને એક જ મંચ પર લાવીને સહયોગ, રોકાણ, નવીનતા અને નવી પ્રતિભાના વિકાસને વેગ આપવાનો છે.
પરિષદમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રની સમગ્ર વેલ્યુ-ચેઇન આવરી લેવાઈ છે. કાચા માલ (સેન્ડ) અને સામગ્રીથી લઈને ચિપ ડિઝાઇન, ફેબ્રિકેશન, એડવાન્સ્ડ પેકેજિંગ અને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સ સુધીની મુસાફરી દર્શાવતો વિશેષ ‘સેન્ડ ટુ સિલિકોન ટુ સિસ્ટમ્સ’ અનુભવ પણ રજૂ કરાયો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અન્ય નેતાઓએ ચિપ ડિઝાઇન ક્ષેત્રના સ્ટાર્ટ-અપ્સ અને કંપનીઓને પ્રોત્સાહિત કરવા પર ભાર મૂક્યો.
આ કાર્યક્રમમાં વિશ્વના 52 દેશોની 600થી વધુ કંપનીઓ અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. પરિષદમાં 400થી વધુ એક્ઝિક્યુટિવ્સ અને 150થી વધુ વક્તા ઉપસ્થિત રહ્યા છે, જ્યારે ત્રણ દિવસ દરમિયાન આશરે 50,000થી વધુ મુલાકાતીઓ આવે તેવી અપેક્ષા છે.
વૈશ્વિક ભાગીદારી મજબૂત કરવા માટે પ્રદર્શનમાં જાપાન, સાઉથ કોરિયા, મલેશિયા, નેધરલેન્ડ, સિંગાપોર અને સ્વીડન જેવા દેશોના છ ‘કન્ટ્રી પેવેલિયન’ ઉભા કરાયા છે. સાથે જ રોકાણ અને સહયોગ સુગમ બનાવવા છ કન્ટ્રી રાઉન્ડટેબલ બેઠકો અને ડિસ્પ્લે ઉદ્યોગમાં નવીનતમ પ્રગતિ પર ખાસ સત્રો યોજાશે.
આ ઉપરાંત ભારતભરના 12 રાજ્યોના સ્ટેટ બૂથ, સ્ટાર્ટઅપ પેવેલિયન, ઇનોવેશન શૉ-કેસ, સ્ટુડન્ટ હેકાથોન, વર્કફોર્સ ડેવલપમેન્ટ પેવેલિયન અને મહિલા નેતૃત્વ પર આધારિત વિશેષ મંચ પ્રદર્શિત કરાયા છે. આ પ્રદર્શન ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રે ભારતની વધતી ક્ષમતા અને આત્મનિર્ભરતા દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ દરમિયાન 1 લાખ વિદ્યાર્થીઓને તાલીમ આપવાની યોજના છે, જેથી સેમિકન્ડક્ટર ક્ષેત્રે રોજગારીની નવી તકો ઊભી થાય.