તમે તમારો જૂનો ફોન બદલીને નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો? તો જૂનો ફોન વેચતાં પહેલાં ડેટાનો બેકઅપ લેવો, એકાઉન્ટમાંથી લૉગઆઉટ કરવું અને ફેક્ટરી રીસેટ કરવા સહિતનાં 5 જરૂરી કામ ભૂલશો નહીં. આ બાબતોનું ધ્યાન રાખવાથી તમારી અંગત માહિતી અને ડિજિટલ પ્રાઇવસી સુરક્ષિત રહેશે.
જ્યારે પણ આપણે જૂનો ફોન બદલીને નવો ફોન ખરીદવાનું વિચારીએ છીએ, ત્યારે સૌથી પહેલાં જૂનો ફોન વેચવાનો અથવા એક્સચેન્જ કરવાનો વિચાર આવે છે. જૂનો ફોન આપીને નવા ફોનની ખરીદીમાં સારી કિંમત મળી શકે છે, જેનાથી આપણું બજેટ પણ સચવાય છે. જોકે, જૂનો ફોન અન્ય કોઈને સોંપતાં પહેલાં લોકો ઘણીવાર ઉતાવળમાં કેટલીક મોટી ભૂલો કરી બેસે છે, જે ભવિષ્યમાં ભારે પડી શકે છે.
તમારા અંગત ફોટા, બેંકની વિગતો અને ખાનગી ચેટ ખોટા હાથમાં જવી જોખમી બની શકે છે. તેથી જૂનો ફોન કોઈને પણ સોંપતાં પહેલાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ચાલો જાણીએ એવા 5 મહત્ત્વપૂર્ણ પગલાં વિશે, જે તમારો જૂનો ફોન વેચતાં પહેલાં લેવા જોઈએ.
1. ડેટાનો બેકઅપ લેવો સૌથી જરૂરી
ફોન વેચતાં પહેલાં સૌથી પહેલું અને મહત્ત્વનું કામ તેમાં રહેલી તમામ જરૂરી માહિતીનો બેકઅપ લેવાનું છે. તમારા ફોનમાં કોન્ટેક્ટ્સ, મહત્ત્વના ફોટા, વીડિયો, વૉટ્સએપ ચેટ અને ઓફિસનાં દસ્તાવેજો જેવી ઘણી જરૂરી વસ્તુઓ હોય છે, જેની ભવિષ્યમાં જરૂર પડી શકે છે.
આ માટે તમે Google Drive, iCloud અથવા એક્સટર્નલ પેન ડ્રાઇવનો ઉપયોગ કરીને તમારો ડેટા સુરક્ષિત જગ્યાએ ટ્રાન્સફર કરી શકો છો. તમામ ડેટા યોગ્ય રીતે સેવ થઈ ગયો છે તેની ખાતરી કર્યા પછી જ આગળની પ્રક્રિયા કરો. બેકઅપ લેવાથી નવા ફોનમાં તમારો જૂનો અને જરૂરી ડેટા પાછો મેળવવાનું સરળ બને છે.
2. તમામ એકાઉન્ટમાંથી લૉગઆઉટ કરો અને સિંક બંધ કરો
ડેટાનો બેકઅપ લીધા પછી ખાતરી કરો કે, તમારા તમામ અંગત એકાઉન્ટ જૂના ફોનમાંથી દૂર થઈ ગયાં છે. ઘણીવાર લોકો માત્ર ફોન રીસેટ કરે છે, પરંતુ Google એકાઉન્ટ, Apple ID, સોશિયલ મીડિયા પ્રોફાઇલ અને બેંકિંગ ઍપ સાથે જોડાણ યોગ્ય રીતે દૂર કરતા નથી.
ફોનના સેટિંગ્સમાં જઈને તમારું Google એકાઉન્ટ અથવા iCloud એકાઉન્ટ યોગ્ય રીતે દૂર કરો. આમ ન કરવાથી નવા ખરીદદારને ફોન ચાલુ કરતી વખતે એક્ટિવેશન લૉક અથવા FRP લૉક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
આ ઉપરાંત, બેંકિંગ ઍપ અને UPI સેવાઓ સાથે જોડાયેલી માહિતી પણ સુરક્ષિત રીતે દૂર કરો, જેથી તમારી નાણાકીય માહિતીનો દુરુપયોગ ન થાય.
ફોન ખરીદદારને સોંપતાં પહેલાં તેમાં રહેલું SIM કાર્ડ અને મેમરી કાર્ડ કાઢવાનું પણ ભૂલશો નહીં.
3. ફોનને સંપૂર્ણપણે ફેક્ટરી રીસેટ કરો
ઉપરનાં તમામ કામ પૂર્ણ કર્યા પછી ફોનને ફેક્ટરી રીસેટ કરવાનો વારો આવે છે. આ પ્રક્રિયાથી ફોનનો અંગત ડેટા અને સેટિંગ્સ દૂર થાય છે.
ફોનના સેટિંગ્સમાં જઈને 'Erase All Data' અથવા 'Factory Reset' વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ સ્ક્રીન લૉકનો પાસવર્ડ દાખલ કરીને પ્રક્રિયા પૂર્ણ થવા દો.
ફેક્ટરી રીસેટ કરવાથી ફોનની ઇન્ટરનલ મેમરીમાં રહેલો ડેટા અને ઍપ્સ દૂર થાય છે તથા ફોન પ્રારંભિક સેટઅપની સ્થિતિમાં આવી જાય છે.
ધ્યાન રાખો: રીસેટ કરતાં પહેલાં તમામ જરૂરી ડેટાનો બેકઅપ લો અને એકાઉન્ટ્સ યોગ્ય રીતે દૂર કર્યા હોવાની ખાતરી કરો. માત્ર ફેક્ટરી રીસેટ કરવાથી દરેક પ્રકારનો ડેટા હંમેશાં માટે પુનઃપ્રાપ્ત નથી થઈ શકતો, તેથી ફોનના મોડેલ અને સુરક્ષા સુવિધાઓ અનુસાર યોગ્ય પ્રક્રિયા અપનાવો.
4. ફોનની બહારની સફાઈ કરો
ફોનનો ડેટા સુરક્ષિત કર્યા પછી તેના બાહ્ય દેખાવ પર પણ ધ્યાન આપો. ફોનની સ્ક્રીન અને બૉડીને નરમ કપડાથી સાફ કરો. ફોન પર ધૂળ, ડાઘ કે અન્ય ગંદકી હોય તો તેને દૂર કરો.
સારો દેખાવ ધરાવતા ફોનને ખરીદદાર વધુ પસંદ કરી શકે છે. જોકે, સફાઈ કરતી વખતે ફોનમાં સીધું પાણી કે અન્ય પ્રવાહી ન નાખો, જેથી ઉપકરણને નુકસાન ન થાય.
5. ફોનની તમામ ઍક્સેસરીઝ એકઠી કરો
જૂનો ફોન વેચતાં પહેલાં તેની સાથે મળેલી તમામ ઍક્સેસરીઝ એક જગ્યાએ રાખો. ફોનનું મૂળ બૉક્સ, ઓરિજિનલ ચાર્જર, ખરીદીનું બિલ અને ડેટા કેબલ ઉપલબ્ધ હોય તો સાથે આપો.
આ તમામ વસ્તુઓ સાથે આપવાથી ખરીદદારનો વિશ્વાસ વધે છે અને ફોનની સારી કિંમત મેળવવામાં પણ મદદ મળી શકે છે.