ઘરમાં રાખેલા જૂના સોનાના દાગીના વેચીને રોકડ મેળવવી એ અચાનક નાણાંની જરૂર પડે ત્યારે સરળ વિકલ્પ લાગે છે. પરંતુ જ્વેલર્સ પાસે જતાં પહેલાં એ સમજવું જરૂરી છે કે જૂના સોનાની કિંમત તે દિવસના 22 કે 24 કેરેટના રિટેલ ભાવ મુજબ મળતી નથી.
અંતિમ રકમ સોનાની શુદ્ધતા, ચોખ્ખા વજન, જ્વેલર્સના ખરીદ દર અને વિવિધ કપાત પર આધારિત હોય છે. ઘણીવાર વજન કે શુદ્ધતાના નામે એવી કપાત થાય છે જેનો હિસાબ ગ્રાહકને સમજાતો નથી. નુકસાનથી બચવા માટે આ 8 બાબતો તપાસી લો.
1. કુલ વજન અને ચોખ્ખું વજન અલગ કરાવો
જ્વેલર્સ આખા દાગીનાનું વજન કરે છે, જેમાં નંગ, મોતી, મીનાકારી, લાખ અને મીણનું વજન પણ સામેલ હોય છે. આ વધારાનું વજન બાદ કર્યા પછી જ સોનાનું વાસ્તવિક વજન નીકળે છે. જેમ કે, હારનું કુલ વજન 20 ગ્રામ અને તેમાં 1.5 ગ્રામ નંગ હોય તો સોનાનું ચોખ્ખું વજન 18.5 ગ્રામ ગણાય. તેથી બિલમાં કુલ વજન અને પથ્થરનું વજન અલગ લખાવો.
2. XRF મશીનથી શુદ્ધતાની તપાસ અને લેખિત રિપોર્ટ
22 કેરેટ સોનામાં 91.6% અને 18 કેરેટમાં 75% શુદ્ધ સોનું હોય છે. જ્વેલર્સ દાગીનાને નુકસાન પહોંચાડ્યા વિના શુદ્ધતા તપાસવા એક્સ-રે ફ્લોરોસેન્સ (XRF) મશીનનો ઉપયોગ કરે છે. જો શુદ્ધતા હોલમાર્ક કરતાં ઓછી બતાવે તો લેખિત રિપોર્ટ માંગો.
3. 20 ગ્રામના હારની કિંમત કેવી રીતે ગણાય?
22 કેરેટ સોનાનો 20 ગ્રામનો હાર, જેમાં 1.5 ગ્રામ પથ્થર છે, તો નેટ વજન 18.5 ગ્રામ. 91.6% શુદ્ધતા મુજબ તેમાં 16.95 ગ્રામ શુદ્ધ સોનું નીકળે. 24 કેરેટ સોનાનો ભાવ ₹13,800 પ્રતિ ગ્રામ હોય તો કિંમત અંદાજે ₹2,33,855 થાય (જેમાંથી જ્વેલર્સ માર્જિન કે પ્રોસેસિંગ ચાર્જ કાપી શકે).
4. રિટેલ ભાવ નહીં, 'જૂના સોનાનો ખરીદ દર' પૂછો
જ્વેલર્સ નવું સોનું જે ભાવે વેચે છે તે જ ભાવે જૂનું ખરીદતા નથી. હેન્ડલિંગ અને રિફાઇનિંગ ખર્ચને કારણે બાય-બેક રેટ અલગ હોય છે. ખરીદ દરમાં પ્રતિ ગ્રામ ₹100નો તફાવત હોય તો 50 ગ્રામ પર ₹5,000નો ફેર પડે. તેથી પૂછો કે રેટમાં ટેસ્ટિંગ અને રિફાઇનિંગ ખર્ચ સામેલ છે કે નહીં.
5. દરેક કપાતનો સ્પષ્ટ હિસાબ માંગો
સોલ્ડરિંગ કે સમારકામને કારણે શુદ્ધતામાં થોડો ફેરફાર થઈ શકે, પરંતુ કારણ વગર ટકાવારી કાપવા પર સવાલ ઉઠાવો. જુદા જ્વેલર્સના ભાવ પૂછતી વખતે માત્ર પ્રતિ ગ્રામ રેટ નહીં, તમામ કપાત બાદ હાથમાં આવતી અંતિમ રકમની સરખામણી કરો.
6. BIS હોલમાર્ક અને HUID નંબરનો ફાયદો ઉઠાવો
જ્વેલરી પર BIS હોલમાર્ક અને 6-અંકનો HUID નંબર હોય તો 'BIS CARE' એપ પર શુદ્ધતા ચકાસી શકાય. સંમતિ વિના જ્વેલર્સને દાગીના ઓગાળવા કે ઘસવા ન દો. વિવાદ થાય તો BIS માન્ય સેન્ટર પર ફી ચૂકવીને તપાસ કરાવી શકાય.
7. એક્સચેન્જ અને કેશ નિયમો જાણો
ઘણા જ્વેલર્સ પોતાની દુકાનના જૂના દાગીના બદલીને નવી જ્વેલરી લેવા પર 100% એક્સચેન્જ વેલ્યુ આપે છે, પરંતુ રોકડ માંગો તો 3%થી 5% સુધીની કપાત થઈ શકે.
8. મેકિંગ ચાર્જ અને GST પરત મળતા નથી: જૂનું બિલ સાચવો
ખરીદી વખતે ચૂકવેલો મેકિંગ ચાર્જ અને GST જૂનું સોનું વેચતી વખતે પરત મળતા નથી. જૂની ખરીદીનું બિલ હોય અને તેમાં નંગ-પથ્થરનું વજન અલગ લખેલું હોય તો વેલ્યુએશનમાં મદદ મળે છે.