સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રેડિંગ ટર્મિનલના દુરુપયોગ પર SEBI કસશે સકંજો, નાના રોકાણકારોને રાહત

ટ્રેડિંગ ટર્મિનલના દુરુપયોગ પર SEBI કસશે સકંજો, નાના રોકાણકારોને રાહત

શેરબજારમાં રોકાણ કરતા લોકો અને બ્રોકરો માટે એક મહત્ત્વનો બદલાવ આવવાનો છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) ટ્રેડિંગ ટર્મિનલના દુરુપયોગને રોકવા માટે નવું નિયમનકારી માળખું લાવી રહ્યું છે. SEBIના ચેરમેન તુહિન કાંત પાંડેએ આ વાત જણાવી છે.

અહેવાલ મુજબ, કેટલીક બ્રોકિંગ કંપનીઓ પોતાના ટ્રેડિંગ ટર્મિનલનો ઉપયોગ કરીને બીજા ટ્રેડરોને સોદા કરવાની સુવિધા આપતી હતી. આમાં ટ્રેડરો બ્રોકરના ખાતા કે ટ્રેડિંગ સિસ્ટમ દ્વારા સોદા કરતા, અને બદલામાં બ્રોકરોને ફી કે નફામાંથી હિસ્સો મળતો. આવી વ્યવસ્થાથી સામાન્ય રોકાણકારોને લાગુ પડતા માર્જિન અને બીજા નિયમો બાજુ પર રહી જવાની આશંકા ઊભી થાય છે. હવે SEBI આ દુરુપયોગ પર કડક નિયમો ઘડવાની તૈયારીમાં છે. આ પગલાનો હેતુ બજારમાં પારદર્શિતા વધારવાનો અને નિયમોના ભંગને રોકવાનો છે.

હાલમાં નાના અને મોટા બ્રોકરો માટે એકસરખા નિયમો લાગુ પડે છે. SEBI હવે આ 'વન સાઇઝ ફિટ્સ ઑલ' અભિગમ બદલવાની શક્યતા ચકાસી રહ્યું છે. મોટા બ્રોકરો પાસે લાખો ગ્રાહકો અને આધુનિક ટેક્નોલૉજી હોય છે, જ્યારે નાના બ્રોકરોનું કામકાજ અને જોખમનું પ્રમાણ અલગ હોઈ શકે. તેથી બ્રોકરના કામનું કદ, ગ્રાહકોની સંખ્યા, ટેક્નોલૉજી અને જોખમ ધ્યાનમાં લઈને અલગ નિયમો બનાવવાનો વિચાર છે.

SEBI શોર્ટ સેલિંગ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ (SLB)ના નિયમોની પણ સમીક્ષા કરી રહ્યું છે. શોર્ટ સેલિંગમાં ટ્રેડર ભાવ ઘટવાની અપેક્ષાએ પહેલાં શેર વેચે છે અને પછી નીચા ભાવે ખરીદવાનો પ્રયાસ કરે છે. SLB વ્યવસ્થા હેઠળ નક્કી કરેલી શરતો મુજબ શેર ઉધાર લઈ શકાય કે આપી શકાય. આ સમીક્ષાનો હેતુ બજારમાં વ્યવહારોની કાર્યક્ષમતા અને ભાવ નક્કી થવાની પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાનો છે.

કોર્પોરેટ બોન્ડમાં રોકાણકારોને ઘણી વાર વેચાણ માટે ખરીદદાર શોધવામાં મુશ્કેલી પડે છે. આ સમસ્યા ઘટાડવા SEBI માર્કેટ મેકિંગ ફ્રેમવર્ક લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ વ્યવસ્થામાં નક્કી કરેલી સંસ્થાઓ બોન્ડની ખરીદી અને વેચાણ માટે ભાવ ઉપલબ્ધ કરાવે છે, જેથી બજારમાં પ્રવાહિતા વધે. ઉપરાંત, કંપનીઓ પોતાના શેર પાછા ખરીદવાની બાયબેક પ્રક્રિયા અને પ્રમોટરો દ્વારા ઓફર ફોર સેલ (OFS) મારફતે શેર વેચવાની પ્રક્રિયા સરળ બનાવવાના વિકલ્પો પણ વિચારાઈ રહ્યા છે. તેનો હેતુ કાગળકામ, નિયમો પાળવાનો બોજ અને ખર્ચ ઘટાડવાનો છે.