સત્ય. સાહસ. સંકલ્પ.

સિએટલમાં દિવાળી કાર્યક્રમમાં ટ્રમ્પ સમર્થકોનો વિરોધ, ભારતીયો વિરુદ્ધ નારાબાજી

સિએટલમાં દિવાળી કાર્યક્રમમાં ટ્રમ્પ સમર્થકોનો વિરોધ, ભારતીયો વિરુદ્ધ નારાબાજી

અમેરિકાના સિએટલ શહેરમાં દિવાળી નિમિત્તે યોજાયેલા એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ટ્રમ્પ સમર્થકોના એક જૂથે ઘૂસીને ભારતીયો અને હિન્દુઓ વિરુદ્ધ નારાબાજી કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પ્રદર્શનકારીઓના હાથમાં પોસ્ટર હતા, જેમાં 'તમામ ભારતીયોને દેશમાંથી બહાર કાઢી મૂકો' અને 'હિન્દુઓ ખ્રિસ્તીઓનું સ્થાન લઈ રહ્યા છે' જેવા સૂત્રો લખેલા હતા. આ ઘટના સમયે કાર્યક્રમમાં બાળકો સાંસ્કૃતિક પ્રસ્તુતિ આપી રહ્યા હતા.

ટ્રમ્પ સમર્થકોએ આરોપ લગાવ્યો કે મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટીની હાર પાછળ ભારતીયોનો હાથ છે. જોકે, આ આરોપ માટે કોઈ પ્રમાણ આપવામાં આવ્યું નથી.

કાર્યક્રમમાં હાજર લોકોએ પ્રદર્શનકારીઓનો વિરોધ કર્યો અને તેમને બહાર કાઢી મૂક્યા. આ દરમિયાન ધક્કામુક્કી પણ થઈ હતી.

ભારતીય મૂળનાં અમેરિકન સાંસદ પ્રમિલા જયપાલે આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે દિવાળી એક મહત્વપૂર્ણ તહેવાર છે અને હિન્દુ સમુદાયને કોઈપણ ભય વિના પોતાનો તહેવાર ઉજવવાનો અધિકાર છે. અમારા શહેર અને દેશમાં નફરત ફેલાવતી આવી હરકતો માટે કોઈ સ્થાન નથી.

પ્રદર્શનકારીઓમાંથી એકની ઓળખ જૅક લૅંગ તરીકે થઈ છે, જે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સમર્થક છે. કાર્યક્રમમાંથી બહાર કાઢ્યા બાદ લૅંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દાવો કર્યો કે તેમના પર હુમલો કરવામાં આવ્યો અને તેમનો ધ્વજ તોડી નાખવામાં આવ્યો. તેણે હિન્દુઓ પર ટેક્સાસમાં ડેમોક્રેટિક પાર્ટીને જીતાડવાનો આરોપ પણ લગાવ્યો હતો.

ઉત્તર અમેરિકાના હિન્દુઓના સંગઠન 'કોઅલિશન ઑફ હિન્દુઝ ઑફ નોર્થ અમેરિકા' (CoHNA)એ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. સંગઠન મુજબ, જેક લૅંગ અને થોમસ એલન નામના બે પ્રદર્શનકારીઓ કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે બાળકો પ્રસ્તુતિ આપી રહ્યા હતા. સંગઠને સિએટલ અને આસપાસના વિસ્તારોમાં રહેતા હિન્દુઓને સતર્ક રહેવાની અપીલ કરી છે અને જણાવ્યું છે કે પ્રદર્શનકારીઓએ અન્ય દિવાળી કાર્યક્રમોમાં પણ વિરોધ કરવાની વાત કહી છે.

જૅક લૅંગ અમેરિકાનો જમણેરી એક્ટિવિસ્ટ છે અને 'વ્હાઇટ રિપ્લેસમેન્ટ' નામનું સંગઠન ચલાવે છે. 6 જાન્યુઆરી, 2021ના રોજ ટ્રમ્પ સમર્થકોએ અમેરિકી સંસદ ભવન કૅપિટલ હિલ પર હુમલો કર્યો હતો, ત્યારે જૅક લૅંગ પણ તેમાં સામેલ હતો. આ કેસમાં તેના પર પોલીસકર્મીઓ સાથે મારપીટ સહિતના આરોપો લાગ્યા હતા અને તે લગભગ ચાર વર્ષ જેલમાં રહ્યો. જાન્યુઆરી 2025માં ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ તેને માફી આપવામાં આવી હતી. આ પછી પણ તે પ્રવાસીઓ, મુસ્લિમો અને અન્ય સમુદાયો વિરુદ્ધના વિરોધ પ્રદર્શનોમાં સામેલ રહ્યો છે.