સત્ય. સાહસ. સંકલ્પ.

SD Pay કૌભાંડ: આરોપીઓએ ઝૂમ મીટિંગ કરીને રોકાણકારોને લાલચ આપી, અમરેલી પોલીસે અફવાઓ ન માનવા અપીલ કરી

SD Pay કૌભાંડ: આરોપીઓએ ઝૂમ મીટિંગ કરીને રોકાણકારોને લાલચ આપી, અમરેલી પોલીસે અફવાઓ ન માનવા અપીલ કરી

અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે SD Pay અને અપના પે એપ્લિકેશન દ્વારા આચરવામાં આવેલા રૂ. 635 કરોડથી વધુના કથિત કૌભાંડની તપાસ હાથ ધરી છે. આ મામલે કૌભાંડના મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ અને હિરેન શાહની ઓડિશાના સંભલપુરથી ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર છે.

પોલીસના જણાવ્યા મુજબ, ધરપકડ બાદ કૌભાંડમાં સંડોવાયેલા કેટલાક એજન્ટો ઓનલાઈન ઝૂમ મીટિંગ અને સેમિનારો યોજીને રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ એજન્ટો લોકોને નવી લાલચો આપી રહ્યા છે અને FIR નોંધાવતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે આ એજન્ટો પર પણ નજર રાખી છે. કંપની દ્વારા વોટ્સએપ પર બનાવેલા ગ્રુપમાં ગ્રાહકોને ‘ધીરજ રાખો, બધું પૂર્વવત્ થઈ જશે’ તેવા સંદેશા મોકલવામાં આવી રહ્યા છે.

આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે, જેમાં હિરેન શાહ છૂટી ગયો હોવાનો અને ધવલ પટેલે આત્મસમર્પણ કર્યું હોવાનો ખોટો દાવો કરાયો છે. આ ઓડિયોમાં કાનૂની પ્રક્રિયા ખોટી હોવાનું અને સમગ્ર દોષ RBI, કાનૂની સિસ્ટમ તથા હરીફ કંપનીઓ પર ઢોળવાનો પ્રયાસ કરાયો છે. વાયરલ ઓડિયોમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં SD Payની ઓફિસ હોવાનો ઉલ્લેખ પણ કરાયો છે.

આ અંગે અમરેલીના પોલીસ અધિક્ષક (SP) સંજય ખરાતે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, વાયરલ થઈ રહેલી ઓડિયો ક્લિપ તદ્દન ખોટી છે અને તે રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર છે. બંને મુખ્ય આરોપીઓ પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર છે. નાગરિકોએ આવી કોઈ પણ અફવાઓમાં ન આવવું જોઈએ. આ ઓડિયો ક્લિપ વાયરલ કરનારાઓ સામે પણ કાયદેસરની તપાસ કરવામાં આવશે.

FIR નોંધાયા બાદ અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ અને સિનિયર અધિકારીઓને 250થી વધુ કોલ મળ્યા છે. અત્યાર સુધીમાં 160થી વધુ ભોગ બનનારા લોકોના અધિકૃત નિવેદનો નોંધવામાં આવ્યા છે. આ એપ્લિકેશન આશરે 12 લાખ લોકોએ ડાઉનલોડ કરી હતી, જેમાંથી પોલીસે 3.5 લાખ યુઝર્સનો ડેટા રિકવર કરી લીધો છે. બાકીના ડેટાની તપાસ ચાલુ છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ SD Pay એપ્લિકેશન બનાવીને તેને પ્લે સ્ટોર પર મૂકી હતી. એપમાં બિલ પેમેન્ટ, મોબાઈલ રિચાર્જ અને રેફરલ સિસ્ટમ જેવી સુવિધાઓ આપવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓએ પોતાના રેફરન્સ મારફતે આશરે પોણા બે લાખ લોકોને આ નેટવર્ક સાથે જોડ્યા હોવાનું જણાવાયું છે. એપ્લિકેશનમાં નામ અને મોબાઈલ નંબર સાથે રજિસ્ટર થયેલા આશરે સાડા ત્રણ લાખ લોકોનો ડેટા પોલીસને મળ્યો છે. આ લોકોનું ભૌગોલિક વિશ્લેષણ કરીને તેમના સરનામાં શોધવાની કામગીરી ચાલી રહી છે.

આ કૌભાંડના તાર ગુજરાતના ગાંધીનગર, અમરેલી, સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, ભુજ, સુરેન્દ્રનગર, ભાવનગર, મહેસાણા, દાહોદ અને બોટાદ સહિતના અનેક જિલ્લાઓ સુધી વિસ્તરેલા છે. અમરેલી પોલીસે 8 સપ્ટેમ્બરે પ્રેસ કોન્ફરન્સ કરીને આ કથિત ફ્રોડ નેટવર્કનો ખુલાસો કર્યો હતો. આ મામલે IPS જયવીર ગઢવીના નેતૃત્વ હેઠળ SITની રચના કરવામાં આવી છે, જે તમામ આરોપીઓના બેંક ખાતા, GST અને ઇનકમ ટેક્સ સંબંધિત વિગતો એકત્ર કરી રહી છે. અમરેલી પોલીસે તમામ ભોગ બનનારા રોકાણકારોને કોઈ પણ અફવા પર ધ્યાન ન આપતા સામે આવીને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.