સત્ય. સાહસ. સંકલ્પ.

SD Pay કૌભાંડ: રૂ.635 કરોડના માસ્ટરમાઇન્ડની ઔરંગાબાદથી ધરપકડ, 1.75 લાખ લોકોને છેતર્યા

SD Pay કૌભાંડ: રૂ.635 કરોડના માસ્ટરમાઇન્ડની ઔરંગાબાદથી ધરપકડ, 1.75 લાખ લોકોને છેતર્યા

અમરેલીના રૂ.635 કરોડના SD Pay એપ ફ્રોડ કેસમાં મુખ્ય સૂત્રધાર નારાયણ અશોક કાંગને અમરેલી પોલીસ અને વડોદરા સાયબર ક્રાઇમની સંયુક્ત ટીમે મહારાષ્ટ્રના ઔરંગાબાદ (છત્રપતિ સંભાજીનગર) ખાતેથી ઝડપી પાડ્યો છે. તેના પર ઊંચા વળતરની લાલચ આપીને ગુજરાત સહિત દેશભરના 1.75 લાખથી વધુ લોકોને છેતરવાનો આરોપ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નારાયણ અશોક કાંગ ઔરંગાબાદમાં બેસીને ‘SD Pay’ નામની બોગસ ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશનનું આખું નેટવર્ક ચલાવતો હતો. એપનું તમામ ટેકનિકલ કંટ્રોલ, સર્વર ડેટા અને યુઝર્સની વિગતો તે પોતાની પાસે રાખતો હતો. રોકાણકારો જે રકમ જમા કરાવતા, તે સીધી તેના અંગત અને બેનામી બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થઈ જતી હતી. આ રીતે તેણે અંદાજે રૂ.635 કરોડનું મોટું આર્થિક સામ્રાજ્ય ઊભું કર્યું હતું.

આરોપીને કડક સુરક્ષા વચ્ચે વડોદરા લાવવામાં આવ્યો છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકે અગાઉથી ગુનો નોંધાયેલો હોવાથી પ્રાથમિક ધોરણે તેની પૂછપરછ અને કસ્ટડી વડોદરા પોલીસ સંભાળી રહી છે. વડોદરા પોલીસ રિમાન્ડ મેળવીને ટેકનિકલ પુરાવા, બેંક ખાતાઓ અને આંતરરાજ્ય કનેક્શન અંગે તપાસ પૂર્ણ કરશે. ત્યાર બાદ અમરેલી પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે તેનો કબજો લેશે.

આંતરરાજ્ય સાયબર ફ્રોડના મુખ્ય સૂત્રધાર પકડાતાં આ રેકેટ સાથે જોડાયેલા અન્ય મળતિયાઓ અને એજન્ટોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે આરોપીના લેપટોપ, મોબાઇલ અને બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. રૂ.635 કરોડની આ અધધ રકમ ક્યાં રોકાણ કરવામાં આવી અને દેશ-વિદેશના કયા ભેજાબાજો આ કૌભાંડમાં સામેલ છે, તે દિશામાં વડોદરા અને અમરેલી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

અમરેલીના DySPએ જણાવ્યું કે, ‘SD Pay’ અને ‘APNA Pay’ એપ્લિકેશનના 15 લાખથી વધુ યુઝર્સનું પોલીસે વિશ્લેષણ કર્યું છે. જેમાંથી 6 લાખ 53 હજાર યુઝર્સનો ડેટા અમરેલી સાયબર પોલીસને મળ્યો છે. સૌથી વધુ 1 લાખ 52 હજાર યુઝર્સ ગુજરાતના છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક, હરિયાણા સહિતના રાજ્યોના યુઝર્સ પણ આ કૌભાંડનો ભોગ બન્યા હોવાનું જણાય છે. યુઝર્સ મારફતે રૂ.1,211 કરોડનું બેલેન્સ જમા થયું હતું, જે ફ્રીઝ કરવામાં આવ્યું છે. અન્ય યુઝર્સનો ડેટા મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આ કૌભાંડમાં અગાઉ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બે દિવસ પહેલા બે મુખ્ય સૂત્રધાર એપ માલિક ધવલ પટેલ અને હિરેન શાહની ઓડિશાથી ધરપકડ કરવામાં આવી હતી. બંનેને ફ્લાઇટ મારફતે અમરેલી લાવવામાં આવ્યા હતા. તેમની પૂછપરછ બાદ ભાવેશ અરવિંદ ધનેચાની પણ ધરપકડ કરવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓ સંકજામાં આવ્યા છે.

રોકાણકારોના નાણાં સગેવગે કરવા અને લોન્ડરિંગ માટે આરોપીઓએ 7 બોગસ (શેલ) કંપનીઓ ઊભી કરી હતી, જેમાં એસ.ડી. હબ (ઓપીસી) પ્રા. લિ., શિવ ધરતી કોમ્યુનિકેશન પ્રા. લિ., શિવધરતી ટેકનોલોજી પ્રા. લિ., ઉપાય ડિજી પેમેન્ટ ઈન્ડિયા લિ., UPAY DIGI ઈન્ડિયા પ્રા. લિ., યુ પેમેન્ટ ઈન્ડિયા લિમિટેડ અને હસ્ટલેનેસ્ટ પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. આ કંપનીઓના નામે ખોલાવેલા 18 બેંક ખાતામાંથી રૂ.1,598 કરોડની હેરફેર કરવામાં આવી હતી.