પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલયમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને બેઠકોનો સિલસિલો ચાલુ છે. પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલા અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સાંસદ, પૂર્વ સાંસદ, ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સહિતના પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં ચૂંટણીની તૈયારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તે જ સમયે કૉંગ્રેસે SD Pay અને Apna Pay મોબાઈલ એપ્લિકેશન મારફતે ગુજરાત સહિત દેશભરમાં થયેલા 1,211 કરોડ રૂપિયાના ડિજિટલ પેમેન્ટ ફ્રોડ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને જવાબદાર ગણાવી.
સુરજેવાલાએ આરોપ મૂક્યો કે સામાન્ય નાગરિકોની મહેનતની કમાણી છીનવાઈ ગયા પછી પણ કેન્દ્ર અને રાજ્ય સરકારો નિષ્ક્રિય બેસી રહી છે.
કૉંગ્રેસે ચેતવણી આપી છે કે પીડિતોને સાથે રાખીને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. જો પૈસા પરત નહીં મળે તો ધારાસભ્યો અને પીડિતો સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
ગુજરાત કૉંગ્રેસ SD Pay અને Apna Pay ના તમામ પીડિતોની સહી લઈને કોર્ટમાં અરજી દાખલ કરશે. દરેક પરિવારને તેમના પૈસા પાછા ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનું પક્ષે જણાવ્યું છે.
સુરજેવાલાએ સમગ્ર કેસની તપાસ CBIને સોંપવાની માગ કરી છે.