અમરેલી પોલીસે SD Pay એપ્લિકેશન દ્વારા ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફેલાયેલા 635 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ નેટવર્કના બે મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ અને હિરેન શાહની ઓડિશામાંથી ધરપકડ કરી છે. બંનેને વિમાન મારફતે 15 સપ્ટેમ્બરે અમરેલી સાયબર ક્રાઇમ ખાતે લાવવામાં આવ્યા છે. અમરેલીના ઇતિહાસમાં પોલીસ પ્રથમ વખત કોઈ આરોપીને ફ્લાઇટમાં લાવી છે.
અમરેલી એસપી સંજય ખરાતની ટીમ અને અન્ય ટીમો મુખ્ય સૂત્રધાર ધવલ પટેલને શોધવા માટે વિવિધ રાજ્યોમાં તપાસ કરી રહી હતી. આ દરમિયાન સાયબર ટીમને માહિતી મળી કે આરોપી ઓડિશાના સંભલપુરમાં છે. પોલીસે ત્યાંથી ધવલ પટેલ અને હિરેન શાહની તેમની કાર નંબર GJ-06-RE-1989 સાથે ધરપકડ કરી. બંને આરોપીઓને અમરેલી સાયબર ક્રાઇમ ખાતે લાવીને પૂછપરછ હાથ ધરવામાં આવશે.
અમરેલી પોલીસે 8 સપ્ટેમ્બરે પ્રેસ કોન્ફરન્સ કરીને આ કથિત ફ્રોડ નેટવર્કનો ખુલાસો કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ SD Pay અને અપના પે એપ્લિકેશન મારફતે લાખો રોકાણકારોને ઊંચા દૈનિક વળતરની લાલચ આપવામાં આવી હતી. આ મામલે કરોડો રૂપિયાની છેતરપિંડી અંગે FIR નોંધવામાં આવી હતી અને IPS જયવીર ગઢવીના નેતૃત્વ હેઠળ SITની રચના કરવામાં આવી હતી.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ SD Pay એપ્લિકેશન બનાવીને તેને પ્લે સ્ટોર પર મૂકી હતી. એપ્લિકેશનના 10 લાખથી વધુ ડાઉનલોડ થયા છે. પકડાયેલા આરોપીઓએ પોતાના રેફરન્સ મારફતે આશરે પોણા બે લાખ લોકોને આ નેટવર્ક સાથે જોડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. એપમાં બિલ પેમેન્ટ, મોબાઈલ રિચાર્જ અને રેફરલ સિસ્ટમ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી હતી.
પોલીસને તપાસ દરમિયાન એપ્લિકેશનમાં નામ અને મોબાઈલ નંબર સાથે રજિસ્ટર થયેલા આશરે સાડા ત્રણ લાખ લોકોનો ડેટા મળ્યો છે. આ લોકોનું જિયોગ્રાફિકલ વિશ્લેષણ કરીને તેમના સરનામાં શોધવાની કામગીરી ચાલી રહી છે. ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા અને સુરત સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં નાના રોકાણકારો આ કથિત ફ્રોડનો ભોગ બન્યા હોવાની આશંકા છે.
પકડાયેલા આરોપીઓના બેંક ખાતાઓની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ખાતાઓ છેલ્લા એકથી દોઢ વર્ષ દરમિયાન ખોલવામાં આવ્યા હતા અને આરોપીઓનો કોઈ કાયદેસર વ્યવસાય ન હોવા છતાં તેમાં આશરે 635 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયાનું તપાસમાં સામે આવ્યું છે. આ રકમના સ્ત્રોત ઉપરાંત આરોપીઓએ ઇનકમ ટેક્સ, GST કે અન્ય ટેક્સ ભર્યો છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.
કેસ નોંધાયા બાદ અમરેલી સાયબર ક્રાઇમ ટીમે મુખ્ય સૂત્રધાર ધવલ પટેલની શોધખોળ શરૂ કરી હતી. રાજ્ય ઉપરાંત આંતરરાજ્ય સ્તરે પણ અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. દરમિયાન ધવલ પટેલ ઓડિશામાં હોવાની માહિતી મળતાં સાયબર ટીમ ત્યાં પહોંચી હતી અને ધવલ પટેલ સાથે હિરેન શાહને પણ ઝડપી પાડ્યો હતો. બંનેને અમરેલી સાયબર ક્રાઇમ ખાતે લાવવામાં આવ્યા છે અને તેમની ધરપકડની કાર્યવાહી તથા પૂછપરછ કરવામાં આવશે.
પોલીસે Up Pay, HDP અથવા અન્ય કોઈ માધ્યમથી આવી સ્કીમમાં નાણાંનું રોકાણ કરનાર લોકોને આગળ આવી ફરિયાદ કરવા અપીલ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ વધુ રોકાણકારો સામે આવે તો આરોપીઓ સામેનો કાયદાકીય સકંજો વધુ મજબૂત થઈ શકે છે.
અમરેલી એસપી સંજય ખરાતે નાગરિકોને લોભામણી અને ગેરકાયદેસર રોકાણ યોજનાઓથી સાવચેત રહેવા અપીલ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ ઠગબાજો શરૂઆતના કેટલાક મહિના સુધી રોકાણકારોને મોટું વળતર ચૂકવી વિશ્વાસ જીતે છે અને બાદમાં વધુ લોકોને રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર મળતી આવી જાહેરાતો કે યોજનાઓની યોગ્ય ચકાસણી કર્યા વિના રોકાણ ન કરવા તથા છેતરપિંડી થાય તો રકમ નાની હોય છતાં તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી છે.