સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલી: SD Pay કૌભાંડમાં વધુ એકની ધરપકડ, કુલ 9 આરોપી ઝડપાયા

અમરેલી: SD Pay કૌભાંડમાં વધુ એકની ધરપકડ, કુલ 9 આરોપી ઝડપાયા

અમરેલી સાયબર પોલીસે SD Pay એપના ₹634 કરોડના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ સાથે કેસમાં ધરપકડાયેલા આરોપીઓની સંખ્યા 9 થઈ ગઈ છે. ધરપકડાયેલા આરોપીઓમાં મુખ્ય બે સૂત્રધાર ધવલ પટેલ અને હિરેન શાહ તેમજ ભાવેશ ધનેચાનો સમાવેશ થાય છે.

અમરેલી જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આરોપીઓએ 'SD Pay' અને 'Apના Pay' નામની મોબાઇલ એપ્લિકેશન બનાવીને પોંઝી સ્કીમ ચલાવી હતી. ઊંચા વળતરની લાલચ આપીને ગુજરાત સહિત દેશભરના 1.75 લાખથી વધુ લોકોને છેતરવામાં આવ્યા હતા. પ્લે સ્ટોર પર આ એપના 10 લાખથી વધુ ડાઉનલોડ્સ હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પહેલા લેવલમાં 271 લોકોને જોડ્યા હતા અને ત્યારબાદ મલ્ટિ-લેવલ માર્કેટિંગ (MLM) મોડલ હેઠળ અંદાજે 1.50 થી 1.75 લાખ લોકોને આ ઠગાઈમાં ફસાવ્યા હતા. NCCRP પોર્ટલની તપાસમાં આ કૌભાંડ સંબંધિત 18 બેંક ખાતાઓ સામે દેશભરમાંથી 195 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી મળી આવી છે.

રોકાણકારોના નાણાં સગેવગે કરવા અને લોન્ડરિંગ માટે આરોપીઓએ 7 બોગસ (શેલ) કંપનીઓ ઊભી કરી હતી. જેમાં એસ.ડી. હબ (ઓપીસી) પ્રા. લિ., શિવ ધરતી કોમ્યુનિકેશન પ્રા. લિ., શિવધરતી ટેકનોલોજી પ્રા. લિ., ઉપાય ડિજી પેમેન્ટ ઈન્ડિયા લિ., UPAY DIGI ઈન્ડિયા પ્રા. લિ., યુ પેમેન્ટ ઈન્ડિયા લિમિટેડ અને હસ્ટલેનેસ્ટ પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. આ કંપનીઓના નામથી ખોલાવાયેલા 18 બેંક ખાતામાં અંદાજે ₹1598 કરોડ જમા થયા હોવાનું સામે આવ્યું છે. અન્ય આરોપીઓના વધુ 35 થી 40 બેંક ખાતાઓની તપાસ ચાલી રહી છે.

બે દિવસ પહેલા ધવલ પટેલ અને હિરેન શાહની ઓડિશાથી ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ફ્લાઇટ મારફત અમરેલી લાવવામાં આવ્યા હતા. તેમની પૂછપરછ બાદ ભાવેશ અરવિંદ ધનેચાને ઝડપી લેવાયો હતો. અગાઉ સાયબર ટીમે આ કૌભાંડમાં સામેલ 6 આરોપીઓને જેલભેગા કર્યા હતા. હાલ પોલીસ ટીમ ભોગ બનનારા રોકાણકારોના રૂબરૂ તથા ટેલિફોનિક નિવેદનો નોંધવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે.