અમરેલી સાયબર પોલીસે SD Pay અને APNA Pay એપ્લિકેશન દ્વારા ચાલતા મોટા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ઊંચા વળતરની લાલચ આપીને લાખો લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અમરેલીના ડીવાયએસપી જયવીર ગઢવીએ મીડિયાને જણાવ્યું કે, આ એપના યુઝર્સ મારફતે અંદાજે 1211 કરોડ રૂપિયાનું બેલેન્સ જમા થયું હતું, જે પોલીસે ફ્રીઝ કરી દીધું છે.
કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને એપના માલિક ધવલ પટેલ (મહેસાણા) અને હિરેન શાહને ઓડિશાના સંભલપુરમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. બંનેને ફ્લાઇટ મારફતે અમરેલી લાવવામાં આવ્યા. ધવલ પટેલને કોર્ટ સમક્ષ રજૂ કરતા 21મી તારીખ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે ઝડપી તપાસ માટે ખાસ SIT રચી છે અને અન્ય રાજ્યોમાં પણ ટીમો બનાવવામાં આવી છે. આરોપી નરેન્દ્ર સોલંકી ફરાર છે.
પોલીસે આ એપના લગભગ 15 લાખ યુઝર્સના ડેટાનું એનાલિસિસ કર્યું છે. અત્યાર સુધીમાં 6 લાખ 53 હજાર યુઝર્સનો ડેટા મળ્યો છે. સૌથી વધુ 1 લાખ 52 હજાર યુઝર્સ ગુજરાતમાં છે. ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક અને હરિયાણામાં પણ પીડિતો મળ્યા છે. આ એપ સાથે 12 લાખ લોકોને જોડવાની યોજના હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
આરોપીઓ શરૂઆતમાં ઊંચા વળતરની લાલચ આપીને રોકાણ કરાવવા માટે સેમિનાર યોજતા હતા. એજન્ટોને ખાસ ટ્રેનિંગ અપાતી. પછી સેમિનાર બંધ કરીને ઝૂમ મીટિંગ દ્વારા લોકોને નેટવર્કમાં જોડવામાં આવતા. ઝૂમ મીટિંગનું સંચાલન કરનાર ભાવેશ ધનેશાની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે આરોપીઓની મિલકતો જેવી કે ગોલ્ડ, વાહનો, બેન્ક લોકર, ફ્લેટ, જમીન અને બેન્ક એકાઉન્ટના વ્યવહારોની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે 634 કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો સામે આવ્યા છે. રિમાન્ડ દરમિયાન હજુ મોટા આર્થિક ખુલાસા થવાની શક્યતા છે.
પોલીસે ગુજરાત અને અન્ય રાજ્યોના 240થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે. જે પીડિતો અમરેલી સુધી આવી શકતા નથી, તેમના માટે અમરેલી જિલ્લા પોલીસના સત્તાવાર પેજ પર ત્રણ ભાષામાં ગૂગલ ફોર્મ ઉપલબ્ધ છે, જેથી તેઓ પોતાની વિગતો નોંધાવી શકે. પોલીસે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયામાં ફરતી કોઈપણ ઓડિયો ક્લિપ, અફવા કે ગેરમાર્ગે દોરતી માહિતી પર વિશ્વાસ ન કરવો અને શંકાસ્પદ બાબત જણાય તો સીધો પોલીસનો સંપર્ક કરવો.