સત્ય. સાહસ. સંકલ્પ.

બ્રિટન સાથેના વેપાર કરાર બાદ બલ્ક સ્કોચ વ્હિસ્કીની આયાત 1000% વધી, ડ્યૂટી 150%થી ઘટીને 75%

બ્રિટન સાથેના વેપાર કરાર બાદ બલ્ક સ્કોચ વ્હિસ્કીની આયાત 1000% વધી, ડ્યૂટી 150%થી ઘટીને 75%

ભારત અને બ્રિટન વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ના અમલ પછી દેશમાં બલ્ક સ્કોચ વ્હિસ્કીની આયાતમાં જંગી વધારો થયો છે. ઓગસ્ટ 2026માં બલ્ક સ્કોચ વ્હિસ્કીની આયાત વાર્ષિક ધોરણે આશરે 1,000% વધીને 12.39 મિલિયન ડોલર (લગભગ 117 કરોડ રૂપિયા) થઈ છે.

આ વધારો મુખ્યત્વે આયાત ડ્યૂટીમાં ઘટાડાને કારણે છે. ભારત-યુકે વેપાર કરાર 15 જુલાઈ 2026થી અમલમાં આવ્યો છે, જે હેઠળ પાત્ર સ્કોચ વ્હિસ્કી પરની આયાત ડ્યૂટી 150%થી ઘટાડીને 75% કરવામાં આવી છે. આ ઘટાડા પછી કંપનીઓએ મોટા જથ્થામાં માલ મંગાવવાનું શરૂ કર્યું છે.

2 લિટરથી મોટા કન્ટેનરમાં સ્કોચ વ્હિસ્કીની આયાત આશરે 679% વધીને 25 લાખ લિટર થઈ છે, જે ગયા વર્ષે આ જ સમયગાળામાં 3.20 લાખ લિટર હતી. આ દર્શાવે છે કે વૃદ્ધિ માત્ર ભાવને કારણે નહીં, પણ આયાતના જથ્થામાં થયેલા વધારાને કારણે છે.

બીજી તરફ, 2 લિટર કે તેનાથી ઓછી ક્ષમતાની બોટલોમાં સ્કોચ વ્હિસ્કીની આયાત ઓગસ્ટમાં 30% ઘટીને 3.08 મિલિયન ડોલર (લગભગ 29 કરોડ રૂપિયા) થઈ છે, જે ગયા વર્ષે 4.39 મિલિયન ડોલર (લગભગ 41 કરોડ રૂપિયા) હતી. તેનું વોલ્યુમ પણ 30% ઘટીને 4,02,507 યુનિટ થયું છે. આમ, ટેરિફ ઘટાડાની શરૂઆતની અસર બલ્ક શિપમેન્ટ પર વધુ દેખાઈ છે.

નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ પાંચ મહિનામાં બલ્ક સ્કોચ વ્હિસ્કીની આયાત ગયા વર્ષની સમાન અવધિની તુલનામાં આશરે 349% વધી છે.

યુકેથી માત્ર સ્કોચ જ નહીં, અન્ય સ્પિરિટ્સની આયાતમાં પણ વધારો થયો છે. 2 લિટર કે તેનાથી ઓછા કન્ટેનરમાં જિનની આયાત ઓગસ્ટમાં 150% વધીને 0.84 મિલિયન ડોલર (લગભગ 8 કરોડ રૂપિયા) થઈ છે, અને તેનું વોલ્યુમ 185% વધીને 2,16,438 યુનિટ થયું છે. રમની આયાતમાં પણ 147%થી વધુનો વધારો નોંધાયો છે.

સપ્ટેમ્બર 2026માં ભારતની કુલ આલ્કોહોલિક બેવરેજની આયાત વાર્ષિક ધોરણે 7.2% વધીને 40.43 મિલિયન ડોલર (લગભગ 382 કરોડ રૂપિયા) થઈ હતી, જ્યારે કુલ આયાત વોલ્યુમમાં 335.3%નો વધારો થયો છે. જોકે, સપ્ટેમ્બર મહિના માટે સ્કોચ, જિન અને રમનો અલગ ડેટા જાહેર કરવામાં આવ્યો નથી.

દરમિયાન, બલ્ક સ્કોચની આયાતના વર્ગીકરણને લઈને વિવાદ ઊભો થયો છે. હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ ઑફ નોમેનક્લેચર (HSN) હેઠળ આ શિપમેન્ટ્સનું વર્ગીકરણ કેવી રીતે થવું જોઈએ, તે અંગે પ્રશ્ન ઉઠ્યો છે. ખાસ કરીને, ભારતમાં બ્લેન્ડિંગ અને બોટલિંગ માટે મંગાવવામાં આવતી બલ્ક સ્કોચને ટ્રેડ પેક્ટ હેઠળના રાહત દરોનો લાભ મળવો જોઈએ કે નહીં, તે અંગે મૂંઝવણ છે.

આ મુદ્દે 2 નવેમ્બરે કોમર્સ મંત્રાલયે દારૂ ઉત્પાદકોને ખાતરી આપી છે કે વિવાદ દૂર કરવા અને વેપાર કરારનો લાભ ચાલુ રાખવા પગલાં લેવામાં આવી રહ્યાં છે. કોમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલે સ્થાનિક અને બહુરાષ્ટ્રીય દારૂ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને જણાવ્યું કે મંત્રાલય નાણાં મંત્રાલય સાથે મળીને ઉકેલ શોધશે, જેથી કંપનીઓનો વ્યવસાય અવરોધ વિના ચાલુ રહે.

વેપાર કરાર હેઠળ સ્કોચ વ્હિસ્કી પરની આયાત ડ્યૂટી આગામી 10 વર્ષમાં 40% સુધી લાવવાની યોજના છે.