સત્ય. સાહસ. સંકલ્પ.

SCO સમિટમાં પાકિસ્તાની મંત્રીની એન્ટ્રી, કોંગ્રેસે મોદી સરકાર પર સાધ્યા પ્રહાર

SCO સમિટમાં પાકિસ્તાની મંત્રીની એન્ટ્રી, કોંગ્રેસે મોદી સરકાર પર સાધ્યા પ્રહાર

નવી દિલ્હીમાં આ અઠવાડિયે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટ પહેલા રાજકીય વિવાદ ઊભો થયો છે. ભારત સરકારે SCOના તમામ સભ્ય દેશોને આમંત્રણ મોકલ્યા બાદ પાકિસ્તાને તેના પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી મુસાદિક મલિકને સમિટમાં ભાગ લેવા દિલ્હી મોકલવાની જાહેરાત કરી છે.

પાકિસ્તાનના મંત્રીની ભારત મુલાકાતના સમાચાર સામે આવતાં કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર ટ્વિટ કરીને આરોપ લગાવ્યો કે જે પાકિસ્તાને આતંકવાદીઓ મોકલીને ભારતીયોની હત્યા કરાવી, તે પાકિસ્તાનના મંત્રીનું મોદી સરકાર સ્વાગત કરશે અને તેમને બિરયાની ખવડાવશે.

કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે SCO સિવિલાઇઝેશનલ ડાયલોગમાં ભાગ લેવા આવી રહેલા પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિક એ જ વ્યક્તિ છે, જેમણે આ વર્ષે જૂન મહિનામાં ભારતનો હાથ કાપી નાખવાની ધમકી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અગાઉની પાકિસ્તાન મુલાકાતનો ઉલ્લેખ કરીને કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ભાજપ અને RSSના લોકોનો પાકિસ્તાન પ્રેમ સમયાંતરે સામે આવે છે.

કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પણ આ મુદ્દે મોરચો સંભાળ્યો છે. રવિવારે એક નિવેદનમાં તેમણે કહ્યું કે 2025ના પહેલગામ હુમલા બાદ અને છેલ્લા ચાર દાયકામાં આતંકવાદને લઈને પાકિસ્તાનના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. તેમણે કહ્યું, “એપ્રિલ 2025 થી નવેમ્બર 2026 સુધીમાં શું બદલાયું છે? કંઈ જ બદલાયું નથી. પાકિસ્તાને 1970ના દાયકાથી આતંકવાદનો દોર શરૂ કર્યો અને પોતાની ધરતી પર આતંકવાદનું નેટવર્ક ઊભું કરીને ભારત વિરુદ્ધ તેનો ઉપયોગ કર્યો, તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.”

તિવારીએ સ્વીકાર્યું કે SCO સંમેલનમાં તમામ સભ્ય દેશોની અવરજવર સામાન્ય બાબત છે, પરંતુ તેમણે પાકિસ્તાનના વલણ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

ઉલ્લેખનીય છે કે 26 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ મોટો હુમલો કર્યો હતો, જેમાં ધર્મ પૂછીને ગોળીબાર કરતાં 26 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસી હતા. આ ઘટના બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આવેલા આતંકી ઠેકાણાં નષ્ટ કર્યા હતા. ત્યારબાદ ભારતે સિંધુ જળ સમજૂતી રદ કરીને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ સામે નક્કર પગલાં નહીં લે, ત્યાં સુધી કોઈ વાતચીત થશે નહીં.

SCO સંમેલન નવી દિલ્હીમાં 20થી 22 નવેમ્બર દરમિયાન યોજાયું છે. ભારતે 28 ઓક્ટોબરના રોજ પરંપરા મુજબ તમામ સભ્ય દેશોને આમંત્રણ મોકલવાની જાહેરાત કરી હતી.