સત્ય. સાહસ. સંકલ્પ.

ગુનામાં મંત્રી સિંધિયાને ગ્રામજનોએ ઘેર્યા: 'રોડ નહીં તો વોટ નહીં' નારા બાદ ₹3 કરોડ મંજૂર

ગુનામાં મંત્રી સિંધિયાને ગ્રામજનોએ ઘેર્યા: 'રોડ નહીં તો વોટ નહીં' નારા બાદ ₹3 કરોડ મંજૂર

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના સંસદીય ક્ષેત્ર ગુનામાં સ્થાનિક લોકોએ અધૂરા રસ્તાના મુદ્દે ઘેર્યા હતા. લાંબા સમયથી રસ્તાની ખરાબ હાલત અને ઉપેક્ષાથી નારાજ ગ્રામજનોએ તેમના કાફલાને રોકીને 'રોડ નહીં તો વોટ નહીં'ના નારા લગાવ્યા હતા.

ગ્રામજનોએ હાથમાં બેનરો લઈને વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન એક ગ્રામજન સાથે મંત્રીની ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વીડિયોમાં એક નાગરિક મંત્રીને ચેતવણી આપતો સંભળાય છે કે જો આ વખતે રસ્તાનું કામ નહીં થાય તો આગામી ચૂંટણીમાં કોઈ મત નહીં આપે.

લોકોના વિરોધ પ્રત્યે મંત્રી સિંધિયાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'મારી સાથે આ ભાષામાં ક્યારેય વાત ન કરવી. તમે આવીને અરજી કરો, કામ કરાવવાની જવાબદારી મારી છે.'

જોકે, આ ઘટના બાદ 30 મિનિટની અંદર જ એક જાહેર કાર્યક્રમમાં મંત્રી સિંધિયાએ રસ્તાના નિર્માણ માટે ₹3 કરોડ મંજૂર કરવાની જાહેરાત કરી હતી. આ રકમ ગુનાના ધારાસભ્ય પન્નાલાલ શાક્યાના ધારાસભ્ય ફંડમાંથી ફાળવવામાં આવી છે.

વિવાદ વધ્યા બાદ સિંધિયાએ જિલ્લા કલેક્ટરને કડક સૂચના આપી છે કે ચોમાસું પૂરું થતાં જ રસ્તાના નિર્માણનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે. સ્થાનિક લોકોની ફરિયાદ હતી કે નગરપાલિકા અને તંત્ર દ્વારા પાયાની નાગરિક સુવિધાઓ પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેના કારણે આ વિરોધ પ્રદર્શન કરવું પડ્યું હતું.