સત્ય. સાહસ. સંકલ્પ.

E20 પેટ્રોલ સામે વૈજ્ઞાનિકોનો વિરોધ: સરકારને 3 મોટી માંગ

E20 પેટ્રોલ સામે વૈજ્ઞાનિકોનો વિરોધ: સરકારને 3 મોટી માંગ

મુંબઈમાં શનિવારે યોજાયેલા 'ઇન્ડિયા માર્ચ ફોર સાયન્સ' કાર્યક્રમમાં દેશભરના નામાંકિત વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો અને સામાજિક કાર્યકરોએ સરકાર સામે ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી છે. આ સંયુક્ત અપીલમાં E20 ફ્યુઅલ યોજના તાત્કાલિક પાછી ખેંચવા, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) નાબૂદ કરવા અને દેશભરમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો ઘડવાની માંગ કરવામાં આવી છે.

આ અપીલ પર પદ્મભૂષણ વિજેતા પ્રો. એમ. એસ. રઘુનાથન, એસએસબી એવોર્ડ વિજેતા પ્રો. એસ. જી. દાની, એચબીસીએસઈ-ટીઆઈએફઆરના પ્રો. અનિકેત સુલે, મુંબઈ યુનિવર્સિટીના પ્રો. બી. એમ. અરોડા, પૂર્વ ટીઆઈએફઆરના ડૉ. એન. કૃષ્ણન અને મુંબઈ પ્રેસ ક્લબના સચિવ અનિલ કુમાર સિંહ સહિત અનેક વૈજ્ઞાનિકોએ હસ્તાક્ષર કર્યા છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે E20 ફ્યુઅલ યોજના લાગુ કરવા માટે જરૂરી લાઈફ-સાયકલ એન્વાયર્નમેન્ટલ એસેસમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજુ તૈયાર નથી. તેથી આ યોજના તાત્કાલિક અસરથી અટકાવવી જોઈએ. આ પહેલા વિપક્ષી પક્ષો પણ E20 નીતિનો વિરોધ કરી ચૂક્યા છે.

NTA અંગે વૈજ્ઞાનિકોએ તાજેતરમાં થયેલા પેપર લીક અને NEET પરીક્ષા વિવાદનો ઉલ્લેખ કર્યો છે. તેમણે માંગ કરી છે કે NTA ને બરખાસ્ત કરીને પરીક્ષા પ્રણાલીમાં મૂળભૂત સુધારા કરવામાં આવે.

પર્યાવરણ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે પીગળતા ગ્લેશિયર, સમુદ્રની વધતી જળસપાટી અને ઝડપથી વિલુપ્ત થતી પ્રજાતિઓનો મુદ્દો ઉઠાવ્યો હતો.

આ ઉપરાંત શિક્ષણ અને સંશોધન માટે વધુ બજેટની માંગ કરવામાં આવી છે. કેન્દ્રીય બજેટના ઓછામાં ઓછા 10% અને રાજ્ય બજેટના ઓછામાં ઓછા 30% હિસ્સો શિક્ષણ ક્ષેત્રને ફાળવવો જોઈએ. સંશોધન અને ડેવલપમેન્ટ (R&D) પરનો ખર્ચ જીડીપીના વર્તમાન 0.7% થી વધારીને ઓછામાં ઓછો 3% કરવો જોઈએ.

આયોજકોએ 'વિજ્ઞાન અપનાવો, ભવિષ્ય સુરક્ષિત કરો' ના સૂત્ર સાથે દેશના નાગરિકોને તાર્કિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા અનુરોધ કર્યો છે.