સત્ય. સાહસ. સંકલ્પ.

મગજમાંથી ખરાબ યાદો ભૂંસી શકાશે? ઉંદરો પરના પ્રયોગમાં વૈજ્ઞાનિકોને સફળતા

મગજમાંથી ખરાબ યાદો ભૂંસી શકાશે? ઉંદરો પરના પ્રયોગમાં વૈજ્ઞાનિકોને સફળતા

શું તમારી પાસે પણ કોઈ એવી ખરાબ કે કડવી યાદ છે, જે યાદ આવતાં જ આજે પણ તમે ચિંતામાં ડૂબી જાઓ છો? કોઈ ડરામણી ઘટના કે બ્રેકઅપનું દુઃખ, જેને તમે કાયમ માટે મગજમાંથી ભૂંસી નાખવા માંગો છો? અત્યાર સુધી આ વાત વિજ્ઞાન-કલ્પના (સાયન્સ ફિક્શન) જેવી લાગતી હતી. પણ હવે વૈજ્ઞાનિકોએ ઉંદરો પરના પ્રયોગોમાં આ દિશામાં મોટી સફળતા મેળવી છે.

બોસ્ટન યુનિવર્સિટીના 'સેન્ટર ફોર બ્રેઈન એન્ડ મેમરી'ના એસોસિએટ પ્રોફેસર સ્ટીવ રામિરેઝે તેમના નવા પુસ્તક 'હાઉ ટુ ચેન્જ અ મેમરી'માં આ સંશોધનની વિગતો આપી છે. તેમના કહેવા પ્રમાણે, આપણે જ્યારે પણ કોઈ દુર્ઘટના કે કડવો અનુભવ કરીએ છીએ, ત્યારે તે આપણા મગજના કોષોમાં એક કાયમી ભૌતિક છાપ છોડી જાય છે. વિજ્ઞાનની ભાષામાં તેને 'ઇનગ્રામ' કહેવાય છે.

યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના વૈજ્ઞાનિકોએ આ દિશામાં આશ્ચર્યજનક પરિણામ મેળવ્યા છે. તેમણે મગજના એ ચોક્કસ ભાગ (એમિગ્ડાલા)ના એ કોષોને નિષ્ક્રિય કરી દીધા, જે ડરામણી અને કડવી યાદો સાચવી રાખતા હતા. ઓપ્ટોજેનેટિક્સ ટેકનિકથી ઉંદરોના મગજના અંદરના ભાગ (હિપ્પોકેમ્પસ)માં લેઝર લાઇટ ફેંકીને યાદો સાથે જોડાયેલા કોષોને પસંદગીપૂર્વક સક્રિય કે ભૂંસી નાખવામાં આવ્યા. આ રીતે વૈજ્ઞાનિકોએ ન્યુરોન્સના સ્તરે ફેરફાર કરીને કડવી યાદો ભૂંસવામાં, નવી યાદો જોડવામાં અને જૂની યાદોને ફરી જીવંત કરવામાં સફળતા મેળવી છે.

હવે સૌથી મોટો સવાલ એ થાય કે શું ભવિષ્યમાં માણસોનું મગજ ખોલીને આ રીતે યાદો ભૂંસવામાં આવશે? વૈજ્ઞાનિકો કહે છે કે ના. માણસોમાં કોઈ સર્જરી કર્યા વિના, ભાષા અને અદ્યતન થેરાપીના માધ્યમથી ખરાબ યાદોની પીડા અને તણાવ દૂર કરી શકાશે. સરળ શબ્દોમાં કહીએ તો, ઘટનાની સામાન્ય માહિતી મગજમાં રહેશે, પણ તેની સાથે જોડાયેલો ડર કે અસહ્ય દુઃખ દૂર થઈ જશે.

આ શોધ માત્ર યાદો ભૂંસવાની રમત નથી. તે ગંભીર એન્ઝાઇટી, ડિપ્રેશન, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) અને માનસિક બીમારીઓ સામે લડી રહેલા કરોડો દર્દીઓ માટે સારવારનો નવો રસ્તો ખોલી શકે છે. તેનો હેતુ યાદો સંપૂર્ણ ખતમ કરવાનો નહીં, પણ કડવી યાદોની કાયમી પીડા હળવી કરવાનો છે.